*
અશ્રુઓ લ્હોવાને પાંપણ આવશે,
હર સમસ્યાનું નિવારણ આવશે.
આહ, આંસુ ને જુદાઈ ક્યાં લગી?
એક દિ એનુંય મારણ આવશે.
બહુ મથો તોયે ઉકેલી ના શકો,
પ્રેમમાં એવી મથામણ આવશે.
આપણી શ્રદ્ધા જ જીતતી હોય છે,
હર સફળતાનું એ તારણ આવશે.
લાખ રેખાઓ ભલે દોરો તમે,
હો સીતા મનમાં તો રાવણ આવશે.
હોય જો ‘ચાતક’ મિલનની ઝંખના,
ખુદ લઈ પગલાંને આંગણ આવશે.
આંખ પર ‘ચાતક’ ભરોસો રાખજો,
ભર ઉનાળામાંય શ્રાવણ આવશે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]