Press "Enter" to skip to content

Month: July 2024

ગોળ કરવા ના મથો


*
જે નથી, એનો નિરર્થક ડોળ કરવા ના મથો,
લંબચોરસ જિંદગીને ગોળ કરવા ના મથો.

આગવું સૌંદર્ય છે પ્રત્યેક જગ્યાનું જગે,
ગામનાં ફળિયાં પરાણે પોળ કરવા ના મથો.

માપસર વરસાદ હો તો પાક ઊગે માતબર,
તૃપ્ત કોઈ હોય તો તરબોળ કરવા ના મથો.

થઈ શકે તો કોઈના શુભ યત્નને ટેકો કરો,
હા, પવનની લ્હેરખી વંટોળ કરવા ના મથો.

પ્રેમ સાચો હોય તો હર હાલમાં કાયમ રહે,
સાઠ વરસે ઉમ્ર પાછી સોળ કરવા ના મથો.

હર ગતિની હોય છે અદકી ને અલગારી મજા,
રેલગાડીને તમે ચકડોળ કરવા ના મથો.

મોજ આવે તો લખો બેશક તમે ‘ચાતક’ ગઝલ,
અમથેઅમથું શબ્દનું ભંડોળ કરવા ના મથો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]

4 Comments