*
જે નથી, એનો નિરર્થક ડોળ કરવા ના મથો,
લંબચોરસ જિંદગીને ગોળ કરવા ના મથો.
આગવું સૌંદર્ય છે પ્રત્યેક જગ્યાનું જગે,
ગામનાં ફળિયાં પરાણે પોળ કરવા ના મથો.
માપસર વરસાદ હો તો પાક ઊગે માતબર,
તૃપ્ત કોઈ હોય તો તરબોળ કરવા ના મથો.
થઈ શકે તો કોઈના શુભ યત્નને ટેકો કરો,
હા, પવનની લ્હેરખી વંટોળ કરવા ના મથો.
પ્રેમ સાચો હોય તો હર હાલમાં કાયમ રહે,
સાઠ વરસે ઉમ્ર પાછી સોળ કરવા ના મથો.
હર ગતિની હોય છે અદકી ને અલગારી મજા,
રેલગાડીને તમે ચકડોળ કરવા ના મથો.
મોજ આવે તો લખો બેશક તમે ‘ચાતક’ ગઝલ,
અમથેઅમથું શબ્દનું ભંડોળ કરવા ના મથો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]
સરસ રચના !
જે નથી, એનો નિરર્થક ડોળ કરવા ના મથો ,
લંબચોરસ જિંદગીને ગોળ કરવા ના મથો !
????????????????
ધૃતિબેન,
પ્રતિભાવ બદલ આભાર. તમને ગઝલ ગમી એનો આનંદ.
લંબચોરસ અને ગોળ – એ રૂપક સહેતુક વાપર્યા છે. ગોળમાં એક કેન્દ્રબિંદુ હોય છે. અને આસપાસના બિંદુઓ એકસરખા અંતરે હોય છે. એવું કહેવાય છે કે ગોળ એ પૂર્ણતાનું પણ પ્રતીક છે. લંબચોરસમાં ચાર ખૂણા હોય છે. અને ગોળાકારથી વિપરિત એના મધ્યવર્તી ભાગથી દરેક બિંદુઓ જુદા જુદા અંતરે હોય છે. ચાર ખૂણાને જીવનની ચાર દશા, ચાર આશ્રમ અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે સરખાવી શકીએ. જિંદગીના સંદર્ભમાં જોઈએ તો મેરે તો ગિરિધર ગોપાલ જેમ કેન્દ્રમાં એક જ વસ્તુ કે વ્યક્તિ હોય એવા કોઈક બડભાગી જ હોય છે. મોટાભાગના લોકો લંબચોરસ જેવી જ જિંદગી જીવતા હોય છે. એમના વિષયો, વસ્તુઓ, કાર્યો અને આકર્ષણના કેન્દ્રો અલગ અલગ હોય છે અને સમય સાથે બદલાતા રહે છે. એટલે એનો સહજ સ્વીકાર કરી જીવવાની વાત છે. જીવનને એકાંગી બનાવવાને બદલે બહુરંગી અને વિવિધ આયામોથી સભર બનાવવાની વાત છે.
Excellent!!
“મોજ આવે તો લખો બેશક તમે ‘ચાતક’ ગઝલ,
અમથેઅમથું શબ્દનું ભંડોળ કરવા ના મથો.”
ખૂબ સરસ!
આપની રચનાકૃતિઓમાં સાચે જ મોજ આવે છે! જીવનની બહુ ગહન વાતો આપની રચનાના બે-ચાર શબ્દોમાં જ સમજાઈ જાય છે. આપે ખૂબ જ સરસ કળા હસ્તગત કરી છે. આપને અનેકાનેક અભિનંદન. આજની ભાગદોડભરી જિંદગીમાં ચિત્તને શાતા બક્ષતી રચનાઓ અહીં પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર!