આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ રચિત એક મજાનું ગીત સાંભળીએ રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
સ્વર- રેખાબેન ત્રિવેદી, આલ્બમ- અમર સદા અવિનાશ
*
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત.
આસમાની ચૂંદડીના લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયે હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે
– અવિનાશ વ્યાસ
આજના આ પીત્ઝા બર્ગરના જમાનામાં આપણા ગુજરાતી વેલેન્ટાઇન દી’નું મહત્વ દર્શાવા બદલ આભાર. સર્વ ગુજરાતી વાચકવર્ગ તેમજ આ વેબ-સાઈટના કાર્યકરોને દર્શનના ગુજરાતી હેપ્પી વેલેન્ટાઇન.
જુનું ગીત સાંભળીને આનંદ ! હવે, તમે “ચંદ્રપુકાર” પર પધારશોને ?
– ચંદ્રવદન
ઘણું સરસ. ગુજરાતીઓની સારી સેવા ..