પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ થયેલ CD ‘વિદેશિની‘ માં સાંભળી શકાય છે.
*
સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ
*
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ … હું તો.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી ને મારી આ પળપળની વાત,
મારી કોરી આંખ્યુંનું કાજળ થઇ ગઇ … હું તો.
હું તો આંખો મીંચીને તને સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ … હું તો.
– પન્ના નાયક
સુંદર ગીત…
ગમ્યું!
Beautiful creation. Fully justified by a versatile singer. Please put ‘પાંદડી વાયરાને વળગી શું કામ’ by pannaben (voice by gargi vora) on video. It is another outstanding creation by pannaben.
અવસર આજ આવ્યો મારે આંગણે કે લખવી છે કંકોતરી પ્રિતમ તારા નામની……ખુબ જ સરસ. પ્રેમના હરેક રંગ તમને પન્નાબહેન જ દેખાડી શકે.