Press "Enter" to skip to content

Category: રાસ-ગરબા

પૂનમની રાત ઊગી


આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ રચિત એક મજાનું ગીત સાંભળીએ રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
સ્વર- રેખાબેન ત્રિવેદી, આલ્બમ- અમર સદા અવિનાશ

*
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત.
આસમાની ચૂંદડીના લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત ઊગી પૂનમની રાત … તાલીઓના તાલે

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયે હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે,
પૂનમની રાત ઊગી, પૂનમની રાત … તાલીઓના તાલે

– અવિનાશ વ્યાસ

3 Comments

દાડમડીના દાણા રાતાચોળ


મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો.
*
આલ્બમ- અમર સદા અવિનાશ, સ્વર- શિવાંગી

*
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે
પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી
પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની.

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઈશાની વાયરો વિંઝણું ઢોળે, વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથું ખોરડું ને, ખોરડે ઝુલે છાબલડી
છાબલડીના બોર રાતાચોળ, રાતાચોળ સે….વગડાની.

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીરથ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીનાં નયણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડલી હાલે, નેણલા પરોવીને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી
વાટકડીમાં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

– અવિનાશ વ્યાસ

1 Comment

ઉત્તર જાજો દખ્ખણ જાજો


આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર છે, આપણને પ્રેમનો અદભુત સંદેશ આપે છે.
*
સ્વર: અનીતા ગઢવી

*
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ,
જો કોઈ જાણે જગતમાં પછી જુદાં રહે નહીં કોઈ.
*
ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયા પાર
એવા મોતીસરને મેળે જાજો, લાવજો ઝીણી સેર … ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય
હેતાળાં મમતાળાં દિલડાંના લ્હેરી હોય
આપણા મલકનાં માયાળુ માનવી, માયા લાગી જાય … ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં જ્યાં પ્રીતના મંદિર હોય
પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોય
હેતના વ્હેતાં ઝરણાં હો ત્યાં કોઈ દિ ના સુકાય … ઝીણાં મારુજી

મોતી ભરેલા ચોકમાં રાધા રમે જ્યાં રાસ
એવું મંદિરીયું ગોતીને અમે કરીશું વાસ
સાત ભવના સાથી કેરા મનડાં લ્હેરે જાય … ઝીણાં મારુજી

3 Comments

માણીગર મુરલીવાળો શ્યામ


આજે અમિત ત્રિવેદી રચિત એક ગરબો. મીતિક્ષા.કોમના વાચકો માટે એને મોકલવા બદલ અમિતભાઈનો આભાર. અમિતભાઈની વેબસાઈટની મુલાકાત લેવાઅહીં જુઓ
*
સ્વર – ધ્વનિત જોશી

*
માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ… ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલછોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?
માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા, ચીંધે ગોપીઓને મારગ પરબારા
માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ

– અમિત ત્રિવેદી

2 Comments

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો


આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે માણીએ.
*
સ્વર – અચલ મહેતા

*
જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે…
વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે…

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાય રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

7 Comments

તું કાળી ને કલ્યાણી રે મા


જુદા જુદા યુગમાં શક્તિ સ્વરૂપે પ્રકટીને માતાજીએ અદભુત લીલા કરી છે – ક્યારેક શિવજીની સાથે પાર્વતી બની, ક્યારેક હરિશ્ચંદ્રની પત્ની તારામતી બની, ક્યારેક ભગવાન રામ સાથે માતા સીતા બની તો વળી પાંડવોને ત્યાં દ્રૌપદી બની. શક્તિના મહિમાની એ કથાઓને આ ગરબામાં વણી લેવામાં આવેલી છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે માનો પ્રસિદ્ધ ગરબો હેમંત ચૌહાણના સ્વરમાં સાંભળીએ.
*

*
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્ય કારણ વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

5 Comments