મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. વર્ષાઋતુના પગરણ થઈ ચુક્યા છે. વર્ષા એટલે પ્રેમની ઋતુ. એમાં સમગ્ર પ્રકૃતિ – પશુ, પક્ષીઓ, જીવજંતુ સર્વે પ્રણયના રંગે રંગાઈ જાય તો આપણે સહુ શા માટે બાકાત રહીએ ? વર્ષા એટલે પ્રેમના પ્રગાઢ આલિંગનનું પ્રકૃતિનું ઈજન; બેમાંથી એક થવાનું, અસ્તિત્વને ઓગાળવાનું અને લાગણીઓના અભિષેકનું આહવાન. પ્રેમમાં ધોધમાર વરસાદ જ હોય, સીમાઓને ઓળંગવાનું હોય, કાંઠા તોડી વહી જવાનું હોય, તરબતર થવાનું હોય. એવા જ કંઈક ભાવોને વ્યક્ત કરતી મારી આ રચના માણો.
(અને હા, એ કહેવાનું રહી ગયું કે આજે કે આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ – બંનેનો જન્મદિવસ છે. આજે મીતિક્ષા.કોમને એક વરસ પૂરું થાય છે. તમારા સૌના ઉમળકાભેર મળેલ સાથ-સહકાર બદલ હૃદયપૂર્વકનો આભાર.)
રાત જવા દે, વાત જવા દે, મોસમને બેતાબ થવા દે,
એકમેકમાં ઓગાળેલાં કોમળ શ્વાસોલાપ થવા દે.
ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન
ઝરમર ઝરમર ઝરતાં જળમાં ઝાકળશો ઉન્માદ થવા દે.
સ્થિર જીવનમાં પ્રેમ લપસણી, સાંજ બની છે કંકુવરણી,
ક્ષણની ક્ષીણ ક્ષિતિજ પર આજે, રેશમી તું પરભાત થવા દે.
તું યૌવન-ભરપૂર સુરાહી, અધરોથી છલકાતી પ્યાલી
ઢોળાઈને આજ ધરા પર, એને તું આબાદ થવા દે.
‘ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ સરસ જાને કે મોસમ નો પહેલો વરસાદ્;
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.
ખૂબ સુંદર રચના! અભિનંદન. મીતિક્ષા અને મીતિક્ષા ડોટ કોમ-એ બન્નેને જન્મદિન નિમિત્તે ખરા દિલની શુભેચ્છાઓ.આગામી વર્ષ માટે ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
સરસ ગઝલ થઈ છે.વરસાદના મૌસમને લગતી. મજા આવી!!
મીતિક્ષાબેન તથા મીતિક્ષા.કોમ ને ખૂબ ખુબ શુભેચ્છાઓ!!
સપના
રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,
એકમેકમાં ઓગાળી દે, અલગ અલગ આ શ્વાસ જવા દે
આ પંકતિઓ ગમી!
સપના
સુંદર લયબધ્ધ રચના.
દ્વિતીય વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન
વહાલાં મીતીક્ષાબહેન અને ભાઈ દક્ષેશ,
આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો, વર્ષા ઋતુના ઉત્કટ અને બળુકા પ્રેમની સબળ કૃતી વાંચી અને તમારી અને ભાઈ દક્ષેશ વીશેની વીગતો વાંચી.. ખુશ થઈ જવાયું.. આનંદ અને અભીનન્દ.. તમ બન્ને ભાભી–દીયરને..
જીવનની પળેપળ જીવીએ અને વહાલી ગુજરાતી માતાની સેવા કરતા રહીએ..
મીતીક્ષા ડૉટ કૉમને એક વરસ થયું.. અભીનન્દન.. સારી પ્રગતી કરી છે…
‘ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.
સુંદર…
એક વર્ષની સફળ આનંદ યાત્રા માટે અને જન્મ દિવસના અભિનંદન
બહુ સરસ ભાઇ મજા આઈ વરસાદ વગર આ સાદથી મજા આવી.
ઘણા સમય પછી આજે ધ્યાનમાં આવતાં, કાફિયા અને રદીફની ખામીઓ દૂર કરવા કૃતિમાં સુધારો કર્યો છે. પ્રથમ ચાર પંક્તિઓ બદલી છે. આશા છે એ બાકીની રચનાના ભાવ સાથે સુસંગત થશે અને આપ સૌને ગમશે.
જૂની રચના આ પ્રમાણે હતી –
રાત જવા દે, વાત જવા દે, મોસમની ફરિયાદ જવા દે,
એકમેકમાં ઓગાળી દે, અલગ અલગ આ શ્વાસ જવા દે.
ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન
ઝરમર ઝરમર ઝરતાં જળમાં લાગણીનો અભિષેક થવા દે.