Press "Enter" to skip to content

Day: February 1, 2010

પડછાયો કોઈ રોકો


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, આશા છે એ આપને ગમશે.

આંસુથી ના ભીંજાતો પડછાયો કોઈ રોકો,
ના દર્દથી પીડાતો પડછાયો કોઈ રોકો.

માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.

ભાવિના ગર્ભમાં છે અગણિત કૈં સવાલો,
પ્રશ્નોથી ના મૂંઝાતો પડછાયો કોઈ રોકો.

વિહરે છે કલ્પનોનાં પારેવડાં ગગનમાં,
પટકાઈને વીંધાતો પડછાયો કોઈ રોકો.

આયુષ્યની ક્ષિતિજે ઝળહળ જલે છે દીપક,
લાંબો થઈ ટૂંકાતો પડછાયો કોઈ રોકો.

બદલે મિજાજ મૌસમ કુદરત સમયની સાથે,
બદલ્યે ન બદલાતો પડછાયો કોઈ રોકો.

સૂસવે છે ઝાંઝવાના સરવર શહેર વચ્ચે,
‘ચાતક’થી ના સહાતો પડછાયો કોઈ રોકો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments