મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, આશા છે એ આપને ગમશે.
આંસુથી ના ભીંજાતો પડછાયો કોઈ રોકો,
ના દર્દથી પીડાતો પડછાયો કોઈ રોકો.
માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.
ભાવિના ગર્ભમાં છે અગણિત કૈં સવાલો,
પ્રશ્નોથી ના મૂંઝાતો પડછાયો કોઈ રોકો.
વિહરે છે કલ્પનોનાં પારેવડાં ગગનમાં,
પટકાઈને વીંધાતો પડછાયો કોઈ રોકો.
આયુષ્યની ક્ષિતિજે ઝળહળ જલે છે દીપક,
લાંબો થઈ ટૂંકાતો પડછાયો કોઈ રોકો.
બદલે મિજાજ મૌસમ કુદરત સમયની સાથે,
બદલ્યે ન બદલાતો પડછાયો કોઈ રોકો.
સૂસવે છે ઝાંઝવાના સરવર શહેર વચ્ચે,
‘ચાતક’થી ના સહાતો પડછાયો કોઈ રોકો.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલ અર્થસભર..
સપના
ખુબ સુન્દર દક્ષેશભાઈ, ખુબ જ સુન્દર કાવ્યરચના છે…
સરસ ગઝલ
માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.
આ પંક્તિ ખુબ ગમી.
આયુષ્યની ક્ષિતિજે ઝળહળ જલે છે દીપક,
લાંબો થઈ ટૂંકાતો પડછાયો કોઈ રોકો.
સુન્દર ગઝલ..
ખુબ સરસ કૃતિની રચના કરી છે. ખુબ ગુઢ ભાવાર્થ રજુ કર્યો છે.
ભાવિના ગર્ભમાં છે અગણિત કૈં સવાલો,
પ્રશ્નોથી ના મૂંઝાતો પડછાયો કોઈ રોકો.
સુન્દર ગઝલ
સરસ ગઝલ …! ખુબ ખુબ અભિનંદન ..
સરસ વાત લાવ્યા છે કવિ…….
રદિફ બહુ ગમ્યો અને તમે જે રીતે પડછાયાને પ્રસ્તુત કર્યો એ પણ ગમ્યું.
-અભિનંદન.
વાહ્! મનુષ્યની સૌથી નજીકના સાથીની ઓળખાણ આપતી આ રચના અદભૂત છે!
સુંદર ગૂઢ ગઝલ.
સરસ પડછાયો પાડ્યો…
કીર્તિકાન્તભાઈ, મનહરભાઈ,
આપના અભિપ્રાય બદલ આભાર.
સૂસવે છે – એ ઝાંઝવાના સરોવર માટે વપરાયો છે. પાણીથી સરોવર છલકાય તે રીતે ઝાંઝવાથી એ છલોછલ ભરેલું છે એવા ભાવાર્થમાં વ્યાપકતા અને તીવ્રતાના દ્યોતક તરીકે એનો ઉપયોગ કરેલો છે. આટલી સ્પષ્ટતા પૂરતી થશે.
સરસ અભિવ્યક્તિ…
પડછાયાને તમે ઠીક ઠીક બહેલાવ્યો છે, સારી રીતે રમાડ્યો છે. સરસ ગઝલ બની છે. કીર્તિકાન્તભાઈની ટકોર વ્યાજબી છે. ‘સૂસવે’ ની જગ્યાએ ‘સરકે’ કે ‘ચમકે’ મૂકીને જોઈ શકાય !
માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.
આ શેર સારો બન્યો છે, બાકી, પવન સુસવે. ઝાંઝવાં શી રીતે સુસવે તે સમજાયું નહિ. કલ્પન પણ ગઝલમાં વાસ્તવિક ભૂમિકા પર હોવું ઘટે.