Press "Enter" to skip to content

Month: March 2016

મુક્તકો

ભાગ્ય ઊંધું છે, ને ચત્તું પાડવા બેઠા છીએ,
લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ;
માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા,
આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ.
*
પ્રેમમાં પડવું સમસ્યા ન સમજ,
હર કોઈ પથ્થર અહલ્યા ન સમજ;
શક્ય છે કે આંખની ભીનાશ હો,
તું બધે વાદળ વરસ્યા ન સમજ.
*
ઈચ્છાકુંવરી કરિયાવરમાં શ્વાસ લખાવી બેઠી છે,
જીવણબાઈ એક સદીની આશ લગાવી બેઠી છે;
દૃશ્યોની સંદૂકમાંથી નીકળે છે કેવળ સન્નાટા,
આંખો તોયે પગરવ ઉપર તાશ લડાવી બેઠી છે.
*
ક્યારે નહીં, કદીનો પ્રશ્ન છે,
ક્ષણની સામે સદીનો પ્રશ્ન છે;
દરિયા સાથે લગ્ન કર્યા પછી,
આગળ વધાય? નદીનો પ્રશ્ન છે.
*
साँसो की डोर पर तेरा चहेरा सवार है,
कैसे बताउँ दिल को, दिल तो गँवार है
तुझसे नहीं मिलने की कसम खाई है मैंने,
ये ओर बात है कि तेरा इन्तजार है ॥

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

ફોટો બતાવ, ક્યાં છે


[Painting by Donald Zolan]

આવે ન ઊંઘ રાતે, એવો તનાવ ક્યાં છે?
સપનાની સાથે પ્હેલાં જેવો લગાવ ક્યાં છે?

દોડે છે રાતદિવસ ઘડીયાળના આ કાંટા,
આ હાંફતા સમયનો કોઈ પડાવ ક્યાં છે?

ઊભો રહું કે ચાલું, એની જ છે વિમાસણ,
ઓ લક્ષ્ય, એ વિશેનો તારો સુઝાવ ક્યાં છે?

કણકણમાં તું વસે છે, એવું કહે છે લોકો,
ખાલી જગામાં તારો ફોટો બતાવ, ક્યાં છે?

રંગો, બધાય રંગો, શોભે છે એની રીતે,
કિન્તુ સફેદ જેવો શબનો ઉઠાવ ક્યાં છે?

આંસુ ઢળીને અમથાં આવે ન હોઠ ઉપર,
તરસ્યાને ટાળવાનો જળનો સ્વભાવ ક્યાં છે?

દૃષ્ટા બનીને ‘ચાતક’ જોયા કરો જીવનને,
શ્વાસોની આવ-જાથી મોટો બનાવ ક્યાં છે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments