Press "Enter" to skip to content

Month: November 2014

શ્વાસની દિવાલ તોડી છે

જરા તકલીફ પડવાથી તમે એને વખોડી છે !
જીવનનું નામ ઝંઝાવાતમાં નીકળેલ હોડી છે.

અરે, બે-પાંચ પથ્થર માર્ગમાં આવી મળ્યા તો શું,
તમારા હાથમાં પુરુષાર્થની આપી હથોડી છે.

અડગ નિર્ધારથી પામી જશો નિશ્ચિત તમે મંઝિલ,
મુસીબત હો ગમે તેવી છતાં પગમાંથી ખોડી છે.

અને સેવેલ સ્વપ્નો તૂટતાં છલકાય પણ આંખો,
તો એમાં શું ? એ કોઈ ડેમની દિવાલ થોડી છે !

સફળતા એ જ અંતિમ લક્ષ્યબિંદુ જિંદગીનું ના,
ભલે નિષ્ફળ ગયેલા માનવીનું મૂલ્ય કોડી છે.

રડો નહીં પોક મૂકી કોઈના મૃત્યુ ઉપર ‘ચાતક’,
જુઓ કેવી સિફતથી શ્વાસની દિવાલ તોડી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

મુક્તકો

ફૂલ બનો તો ઝાકળ જેવું રોઈ શકાશે,
ખુલ્લી આંખે સપનાં જેવું જોઈ શકાશે,
પ્રેમ કરીને છો મળવાનું હોય કશું ના,
ખૂબ સહજતાથી પોતાને ખોઈ શકાશે.
*
હાથમાં પથ્થર લીધો ને કાચનું ઘર યાદ આવ્યું,
ફુલ જોતાંવેંત ભમરાઓને અત્તર યાદ આવ્યું,
આપવા માટે લીધેલું, પણ દઈ જે ના શક્યો,
આજ કાંટો વાગતાં એ ફુલ સુંદર યાદ આવ્યું.
*
જાતને મળવું જરૂરી હોય છે,
કૈંક ખળભળવું જરૂરી હોય છે,
સાવ નોખા લાગવા માટે કદી
ભીડમાં ભળવું જરૂરી હોય છે.
*
આંખો તો ખેડી નાંખે દૃશ્યોના ખેતર,
શમણાંઓના શી રીતે કરવા વાવેતર ?
ઈચ્છાઓ બહુ જીદ કરે જો પરણાવાની,
કેવી રીતે લઈ જાવી એને તરણેતર ?
*
શબ્દનાં પગલાંઓ અટકી જાય છે,
લાગણીની ડાળ બટકી જાય છે,
તું કહે છે અલવિદા બસ, એ ક્ષણે,
પાંપણો પર સ્વપ્ન લટકી જાય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments