જરા તકલીફ પડવાથી તમે એને વખોડી છે !
જીવનનું નામ ઝંઝાવાતમાં નીકળેલ હોડી છે.
અરે, બે-પાંચ પથ્થર માર્ગમાં આવી મળ્યા તો શું,
તમારા હાથમાં પુરુષાર્થની આપી હથોડી છે.
અડગ નિર્ધારથી પામી જશો નિશ્ચિત તમે મંઝિલ,
મુસીબત હો ગમે તેવી છતાં પગમાંથી ખોડી છે.
અને સેવેલ સ્વપ્નો તૂટતાં છલકાય પણ આંખો,
તો એમાં શું ? એ કોઈ ડેમની દિવાલ થોડી છે !
સફળતા એ જ અંતિમ લક્ષ્યબિંદુ જિંદગીનું ના,
ભલે નિષ્ફળ ગયેલા માનવીનું મૂલ્ય કોડી છે.
રડો નહીં પોક મૂકી કોઈના મૃત્યુ ઉપર ‘ચાતક’,
જુઓ કેવી સિફતથી શ્વાસની દિવાલ તોડી છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Waahhhh
Thank You !
મસ્ત મત્લાથી ઉઘાડ પામતી આખી ગઝલ.. વાહ વાહ…!!
જો કે શિરમોર શે’ર તો આ જ લાગ્યો…
અને સેવેલ સ્વપ્નો તૂટતાં છલકાય પણ આંખો,
તો એમાં શું ? એ કોઈ ડેમની દિવાલ થોડી છે ! .. ક્યા બાત ….
આપને ગઝલ ગમી તેનો ‘આનંદ’ છે … 🙂
જિંદગીથી હાંફી ગયેલા માણસ માટે મીઠી વીરડી સમી … ખરેખર સુંદર રચના.
યોગેશભાઈ, મારા શબ્દોથી કોઈને પ્રેરણા મળે, તો લખેલું સાર્થક.
જુઓ કેવી સિફતથી શ્વાસની દિવાલ તોડી છે …
touching. Recently I had attend funeral of a relative.
Thank You !
વાહ દક્ષેશભાઈ, શું સુંદર રચના છે ! તમારા અંતરમનની આ નીપજ છે.
હું કોઈ વિવેચક નથી પણ કાવ્યભાવક છું. અદભુત રચના …
અને સેવેલ સ્વપ્નો તૂટતાં છલકાય પણ આંખો,
તો એમાં શું ? એ કોઈ ડેમની દિવાલ થોડી છે !
વાહ ! સાચી વાત છે. થોડીક મુશ્કેલી પડે કે પ્રયત્ન છોડી દે છે.
આપે ખુબ સરસ વાત કહી … ધન્યવાદ.
આભાર મનહરભાઈ. આપને રચના અને એનું ભાવજગત પસંદ આવ્યું એનો આનંદ છે.
જીવનની વિવિધ ઘટનાઓ પર સફળતા વિશે ખૂબ જ ખૂબીથી રસ્તો બતાવ્યો છે અને અા રીતે એ જણને ઉત્સાહિત કર્યો છે. ઉત્તમ કવિકર્મ. અભિનંદન.
આભાર કિશોરભાઈ. આપના જેવા અનુભવીઓ તરફથી મળતું પ્રોત્સાહન કલમને નવું લખવાનું બળ આપે છે.
ક્યા બાત હૈ…. દક્ષેશભાઈ…
આપની દાદ સર-આંખો પર ..
વાહ દક્ષેશભાઇ,
જીવનનું નામ, ઝંઝાવાતમાં નીકળેલ હોડી છે
– બહુ જ સશક્ત વાત. અભિનંદન મિત્ર, આખેઆખી ગઝલની લયબદ્ધ રવાની પણ અસરદાર રહી.
મહેશભાઈ, આપને ગઝલ અને એની રવાની ગમી તેનો આનંદ છે … તમારા જેવા અનુભવી કવિમિત્રોના પ્રતિભાવ મળતા રહે છે એ ખુશીની વાત છે.