ફૂલ બનો તો ઝાકળ જેવું રોઈ શકાશે,
ખુલ્લી આંખે સપનાં જેવું જોઈ શકાશે,
પ્રેમ કરીને છો મળવાનું હોય કશું ના,
ખૂબ સહજતાથી પોતાને ખોઈ શકાશે.
*
હાથમાં પથ્થર લીધો ને કાચનું ઘર યાદ આવ્યું,
ફુલ જોતાંવેંત ભમરાઓને અત્તર યાદ આવ્યું,
આપવા માટે લીધેલું, પણ દઈ જે ના શક્યો,
આજ કાંટો વાગતાં એ ફુલ સુંદર યાદ આવ્યું.
*
જાતને મળવું જરૂરી હોય છે,
કૈંક ખળભળવું જરૂરી હોય છે,
સાવ નોખા લાગવા માટે કદી
ભીડમાં ભળવું જરૂરી હોય છે.
*
આંખો તો ખેડી નાંખે દૃશ્યોના ખેતર,
શમણાંઓના શી રીતે કરવા વાવેતર ?
ઈચ્છાઓ બહુ જીદ કરે જો પરણાવાની,
કેવી રીતે લઈ જાવી એને તરણેતર ?
*
શબ્દનાં પગલાંઓ અટકી જાય છે,
લાગણીની ડાળ બટકી જાય છે,
તું કહે છે અલવિદા બસ, એ ક્ષણે,
પાંપણો પર સ્વપ્ન લટકી જાય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ ક્યા બાત હૈ. બહુ મજા આવી ગઈ. હજુ થોડું વધારે આપો.
પાંચે પાંચ મુક્તક મજાના છે.. જો કે મને ચોથું વધારે ગમ્યું..
અભિવ્યક્તિથી લથબથ મુક્તકો. મને ખૂબ ભાવ્યાં. અભિનંદન