લગ્ન પછી જ્યારે કન્યા સાસરે જાય ત્યારે મમતાનાં બધા સંબંધો પિયરમાં છૂટી જાય છે. પરંતુ એના હૈયે તો એનું બાળપણ, એની સહેલીઓ, એનાં ભાઈ-બેન, માતા-પિતા તથા સ્નેહીઓ ગોપાયેલાં રહે છે. એ મનોદશામાં વિહરતી કન્યાને સાસરાના આંગણાંમાં એક પારેવડું નજરે પડે છે. એ પિયરમાંથી આવેલું હોવાની કલ્પના કરી કન્યા પોતાના પિયરની સ્મૃતિઓમાં સરી પડે છે એનું મનોહર ચિત્રણ આ ગીતમાં રજૂ થયું છે. સાંભળો આ મધુરા ગીતને આશા ભોંસલેના કંઠે.
*
*
પિયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાંને સોના કેરી ચાંચ રે.. પારેવડાંને કોઇ ના ઉડાડશો.
મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના જોજો ઉની આંચ રે.. પારેવડાંને કોઇ ના ઉડાડશો.
એ રે પારેવડાંમાં જનક ને જનેતા, એ રે પારેવડે મારો ભાઇ
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી, એ રે પારેવડે ભોજાઇ
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
પિયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
આજે મારી એક સ્વરચિત કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !
કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી
અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી
ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.
તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી
મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી
જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી
અમૃત ઘાયલ સાહેબની કદાચ સૌથી પ્રસિદ્ધ ગઝલ અને એને બખૂબીથી સ્વરાંકન કરનાર મનહર ઉધાસનો મનોહર કંઠ. સુંદર નયનની વાત આવે એટલે સહજ જ ઐશ્વર્યા રાયની આંખો માનસપટ પર આવે. તો આજે ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ માણો મન ભરીને.
*
સ્વર- મનહર ઉધાસ
*
જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે.
*
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
સુંદર બની ગયું છે કંઈ ઓર દિલ મટીને,
તૂટી ગયું છે તોયે દર્પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]
ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો …
હું તો માત્ર કવિ
હું તો માત્ર ઓરડામાં સબડતું આદિ મમી
હું તો માત્ર ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ…
હું તો માત્ર ખાલીખમ નિઃસહાય …
પછી તો કુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરેમાં રાવજી શબ્દથી દેખાવા લાગ્યો, વેદનાથી ઓળખાવા લાગ્યો. અને એવામાં જ પોતાનાથી છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યા એ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ વિના કહી દીધું, છ માસ જીવશો. રાવજીથી એ માની શકાય એમ ન હતું. હજુ તો કેટલાંય સ્વપ્ન જીવતાં કરવાનાં હતાં. એ પહેલાં કેવી રીતે મરાય ? એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. બહાર આવી ‘અશ્રુધર’ લખી. સારો આવકાર મળ્યો. પછી લખી ‘ઝંઝા’. વિવેચકોએ રાવજીમાં પન્નાલાલને જોયો. ક્ષયથી માંડીને શબ્દોની અભિવ્યક્તિમાં રાવજી અને પન્નાલાલ એક ચાસમાં ચાલ્યા છે. બંનેએ પોતાની રચનાઓમાં ગામડાંઓને જીવતાં રાખ્યાં છે.
રાવજીની રચનાઓમાં ક્યારેક તેનું ક્ષયથી આવેલું રુગ્ણ, કૃષિપણું અને મૃત્યુ અંગેનું સતત સભાનપણું એકસાથે વર્તાઈ જતું જોવા મળે છે. તેમ છતાં વાચકને સ્પર્શ કર્યા વિના રાવજી ક્યારેય સરકી ગયો નથી. ‘મને સ્થિતિ ખોદે છે’ ત્યારે કેવળ રાવજી જ ખોદાતો નથી, રાવજીએ શબ્દ દ્વારા ઊભી કરેલી સ્થિતિ આપણનેય ખોદે છે.
દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી,
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી …
પણ રાવજી ઓળખાયો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો આરંભાઈ રહ્યો હતો. રાવજીએ તેમાં પોતાનો ચીલો પાડ્યો. પોતાના અંગતપણાના ચાસ પાડ્યા અને અંકુર ફૂટ્યાં. શબ્દને સ્પર્શમાત્રથી બેઠારી દેવાની રાવજીમાં ગજબની શક્તિ હતી. શબ્દ દ્વારા રાવજી વ્યક્ત થવા માંડે ત્યારે એક પ્રકારની જબરદસ્ત બેપરવાહી તેમાં વહેતી જોવા મળે છે. એને ઘાસ અને ધરતીની માયા હતી. એકાંત એને કઠતું હતું. ગીધ જેવા મૃત્યુના ઓછાયામાંથી બહાર ધસી આવવા એ મથતો હતો …
થોડાં પાન લખ્યાં હશે ત્યાં એક સાંજે તેના ગળફામાંથી લોહી પડ્યું. ફરી થોડું જીવી લેવા અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. ત્યાં ક્ષયની સાથે માનસિક અસ્થિરતા ઉમેરાઈ, કપડાં વિના વોર્ડમાં દોડતો, પાણી આપનાર પર કોગળા કરી થૂંકતો, આખી રાત જાગી મોત વિશે લખ્યો કરતો …. “મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો જગત સાથેના બધા સંબંધ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા..”
અડધા ગાંડા જેવા રાવજીને વલ્લવપુરા લાવ્યા. ત્યાં ડાયાબીટીસ અને પુરેમિયાનો હુમલો થયો. પાંચ દિવસ બેભાન રહ્યો અને એક સવારે ….
*
સજીવી હળવાશ એને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો …
આજે 14 નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. તેમને બાળકો પ્રિય હતા તેથી એ દિવસ બાળદિન તરીકે પણ ઉજવાય છે. તો આજે બાળકો માટે એક ગીત. જો કે આપણા બધામાં એક બાળક છૂપાયેલ છે એથી આ બાળગીતો આપણને આપણા બાળપણના સોનેરી દિવસોમાં લઈ જાય છે. ચકલી, પોપટને ઝાડ પર બેઠલાં જોવાની, કોયલને કૂ કૂ અવાજ કરી સાદ કરવાની અને ખિસકોલીની પાછળ દોડવાની યાદો આજે પણ મનને તરબતર કરી નાખે છે.
[audio:/c/chakiben-chakiben.mp3|titles=Chakiben chakiben|artist=Unknown]
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહીં ?
શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ દરમ્યાન એકાંતિક પળોમાં મા સર્વેશ્વરી દ્વારા રચાયેલ આ પદને માણો પુષ્પા છાયાના સ્વરમાં.
*
સ્વર- પુષ્પા છાયા, સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી
*
બંધ બારણે ટકોરા મારે તો
શ્યામ તને સાચો ગણું …
બારણાં ઉઘાડી આવે જો અંદર
બેસે જો મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું