*
પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,
હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું.
મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,
છે પીડા એજ કે હું ગમતાં રસ્તા ખોઈ બેઠો છું.
વિવાદોમાં હતો ત્યારે ઘરે ઘરમાં હું ચર્ચાયો,
જીવું છું સાફસૂથરું તો એ ચર્ચા ખોઈ બેઠો છું.
પ્રસિદ્ધિના શિખર પર એ ખબર પડતી નથી જલ્દી,
હું મારી જાતને મળવાના નકશા ખોઈ બેઠો છું.
હું પત્થર પૂજતો ત્યારે ન’તી મારી દશા આવી,
મળી કૈં સાધુ-સંતોને હું શ્રદ્ધા ખોઈ બેઠો છું.
તને બેચેન રાતોની કસક હું કેમ સમજાવું,
હું તારી નિંદ માટે મારા સપના ખોઈ બેઠો છું.
પુરાવો પ્રેમનો એથી વધારે શું તને આપું?
રટૂં છું નામ તારું ને હું ગણના ખોઈ બેઠો છું.
મળી ખોબો ભરીને હર ખુશી પરદેશમાં ‘ચાતક’
હું મારો દેશ, મારી માની મમતા ખોઈ બેઠો છું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
5 Comments