રાધા અને કૃષ્ણના પ્રેમને દર્શાવતા કેટલાય પદો રચાયા છે અને હજુ રચાશે. પ્રેમની પરાકાષ્ઠા અને વિરહની વેદના દર્શાવતું આ પદ માણો હેમા દેસાઈના કોકિલ કંઠે.
*
*
યમુના કિનારો સુમસામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો
એક દિવસ એવો યાદ કરો શ્યામ
જ્યારે રાધાએ મુખ ના બતાવ્યું
વાટમહીં આવે તે પડતું આખડતું ને
દોડી દોડી હૈયું હંફાવ્યું,
પડતાં મુકીને સહુ કામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો
સાંજ પડે ગાયોની ખરીઓના તાલ સાથે
મોરલીના સુર નથી વાગતા,
ખરડાયા ધુળ થકી બીજા ગોવાળ છતાં
માધવ જેવા એ નથી લાગતા,
યાદ કરો ગોકળીયું ગામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો
ફુલની, કંદબની, જળની, જમનાની કે
મુરલીના વાત નહીં જોઈએ
મારે મન એક રહી માધવ મોલાત બીજી
કોઈ મિરાત નહીં જોઈએ,
એક વાર રાખો મુકામ ઘનશ્યામ
તમે આવો જો હૈયે વસે રામ … યમુના કિનારો