Press "Enter" to skip to content

Day: January 24, 2009

છાનું રે છપનું


પરણીને સાસરામાં ગયેલી નવીસવી કન્યાને પોતાના પતિને મળવાના અરમાન હોય પરંતુ નાનાશા ઘરમાં સાસુ અને નણંદની નજરને ચુકાવીને મળવું કેવી રીતે ? છાનીછપની રીતે મળવાની કોશિશ કરે પરંતુ પગમાંની ઝાંઝર ચાડી ખાઈ જાય એની વિમાસણમાં પડેલી આ નવોઢાના મનોભાવોને વ્યક્ત કરતું સુંદર ગીત સાંભળો.
*

*
સ્વર – આશા ભોંસલે

*
છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં… છાનું રે છપનું…

આંખો બચાવીને આંખના રતનને,
પરદામાં રાખીને સાસુ નણંદને,
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી,
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…

– અવિનાશ વ્યાસ

10 Comments