ત્યાં જ ઉભો છું

05.JPG

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા
દીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું

- શોભિત દેસાઈ

2 Responses to “ત્યાં જ ઉભો છું”

  1. pragnaju Says:

    સરસ
    ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા
    દીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
    નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
    અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
    શોભિતને મોઢે સાંભળવાની ખાસ મઝા છે!
    યાદ આવી
    આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
    તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું
    સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
    જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

  2. Kanchankumari parmar Says:

    મીણબત્તીની જેમ પીગળી પીગળી ને હું સળગતી રહી છું; સાથે સાથે મારું અસ્તિત્વ ટકાવવા બની શકે ત્યાં શુધી વિસ્તર્તી રહી છું; આનાથી વિશેષ બીજું મારાથી થાય પણ શું? આખર તો હું એક સ્ત્રી જ છું……

Leave a Reply