મળવાની વાતો માંડ


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે એ આપને ગમશે.

તું માણસ છે તો માણસ થઈ રહેવાની વાતો માંડ,
જડ પથ્થરમાંથી ઝરણું થઈ વહેવાની વાતો માંડ.

છે ક્ષણજીવી આ સંબંધો, માણી લે એકેકી પળને,
તું કો’ક ફુલ પર ઝાકળ થઈ મળવાની વાતો માંડ.

જો વાંચે ઘેલી આંખોમાં અરમાન અધુરા મળવાના,
તો એમ ગગનથી તારો થઈ ખરવાની વાતો માંડ.

ને કાજળઘેરી રાતોમાં ધ્રુવતારક ક્યાંથી મળવાનો ?
તું સ્વયંપ્રકાશિત દીપક થઈ જલવાની વાતો માંડ.

અભિશાપ હશે કે સુંદરતા શાશ્વત મળે ના ક્યાંય જગે,
તું ઉપવન ઉપવન ભમરો થઈ ભમવાની વાતો માંડ.

ને સ્પર્શે કોઈ લાચારી, ભય, વ્યથા-વેદના માણસની,
તો લઈ કલમ ને શાહી થઈ ઝરવાની વાતો માંડ.

છો રાહ કઠિન, મુશ્કેલ ડગર ને લાખ નિરાશા જીવનમાં,
તું રોજ સવારે ચાતક થઈ જીવવાની વાતો માંડ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

(નોંધ – આ પોસ્ટ પ્રસિદ્ધ થશે ત્યારે ભારતમાં હોઈશ. વ્યસ્તતાને કારણે હવે પછીની પોસ્ટ કદાચ અનિયમિત રીતે પ્રસિદ્ધ થાય તો ક્ષમા કરશો.)

12 Responses to “મળવાની વાતો માંડ”

  1. Sapana Says:

    ને સ્પર્શે કોઈ લાચારી, ભય, વ્યથા-વેદના માણસની,
    તો લઈ કલમ ને શાહી થઈ ઝરવાની વાતો માંડ.

    તમારૂ સજેશન ગમ્યું. એટલે તો લખવાનુ શરૂ કર્યુ..ખૂબ સરસ હકારાત્મક ગઝલ!!
    - સપના

  2. Saryu Parikh Says:

    દરેક વિચાર બહુ સરસ રીતે લખાયો છે. આનંદની વાત.
    સરયૂ
    http://www.saryu.wordpress.com

  3. Pancham Shukla Says:

    પ્રેરક અને હકારાત્મક વિચારોને સરસ રીતે સાંકળ્યા છે. સુંદર રચના.

  4. P Shah Says:

    તું સ્વયંપ્રકાશિત દીપક થઈ જલવાની વાતો માંડ…
    સુંદર અભિગમ સુંદર રીતે વ્યક્ત થયો છે.
    અભિનંદન !

  5. Dr.Firdosh Dekhaiya Says:

    સરસ રચના.

  6. Kanchankumari Parmar Says:

    વેદનાની કથા લાંબી ……ખુટે શાહી તો દરિયો ભરી કલમમાં ….વાર્તા પાછી માંડ…..

  7. Preetam Lakhlani Says:

    સરસ ગઝલ………….વાંચી માંરુ મન મોર બની થનગાટ કરે છે!

  8. Yatri Says:

    ઝરણું, ઝાકળ, તારો, દીપક, ભમરો, શાહી !!! વાહ્ ! અને અંતે તો ચાતકે “ચાતક” ની જ વાત માંડવાનું પસંદ કર્યુ!!

  9. Devika Dhruva Says:

    અફલાતૂન ……

  10. Paresh Pandya Says:

    હૃદયમાં ઉતરી ગઇ તમારી કવિતા.

  11. અભિષેક Says:

    ભારતયાત્રાની શુભેચ્છા.

  12. Hitesh satodiya Says:

    “છો રાહ કઠિન, મુશ્કેલ ડગર ને લાખ નિરાશા જીવનમાં,
    તું રોજ સવારે ચાતક થઈ જીવવાની વાતો માંડ.”

    આ પંક્તિ જીવનમાં આશાનો એક દીપ પ્રગટાવી જતી હોઇ એવું લાગે. હૃદયને ગમે એવી વાત છે. હુ આપને મારી પ્રસન્નતા વ્યક્ત કરું.

Leave a Reply