સૂર્યને ઘર આવતાં ક્યારેક મોડું થાય છે,
સાંજની ઈચ્છા થકી ક્યાં આભ કાળું થાય છે.
લાખ અરમાનો લઈને રાત ઊભી હો છતાં,
ચાંદની આંગણ ભરે ત્યારે જ વાળું થાય છે.
એક જગ્યા પર ઊભું રહી વૃક્ષ કંટાળે છતાં,
ક્યાંક જઈ આવે ટહેલવા, એમ થોડું થાય છે.
સત્યના સઘળા પ્રયોગો ભોંયમાં દાટ્યા પછી,
દીન મા થી એક રડતું બાળ છાનું થાય છે.
હોય છે પારસમણિ ‘ચાતક’ ઘણાના ભાગ્યમાં,
આપણું સોનું ખબર નહીં કેમ લોઢું થાય છે !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
8 Comments