Press "Enter" to skip to content

Category: વિડીયો

સરદાર પટેલ

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના સાડા પાંચસો જેટલા રજવાડાંઓને મન થાય ત્યાં જોડાવાનો વિકલ્પ આપી અપાર શિરોવેદના આપી હતી. સરદાર પટેલે કુનેહ વાપરી એ સર્વ રજવાડાંઓનું એકત્રીકરણ ન કર્યું હોત તો આજે ભારતનો નક્શો જુદો જ હોત. જેટલો યશ આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીને મળ્યો તેટલા જ યશના ભાગી સરદાર પટેલ હતા. પરંતુ પક્ષાપક્ષીના રાજકારણને લીધે ગુજરાતના એ સપૂતને યોગ્ય સન્માન નથી મળ્યું એ હકીકત છે. અને નવી પેઢીને સ્વાતંત્ર્યતાના ઈતિહાસને જાણવાની બહુ પડી નથી, એને લીધે સરદાર જેવા ગુજરાતના સપૂતને થતો અન્યાય કાયમી રહે તો નવાઈ નહીં.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડી બારડોલી સત્યાગ્રહ જેવા અનેકવિધ સુવર્ણ પ્રકરણો જેમના યશસ્વી જીવન સાથે સંકળાયેલા છે તેવા સરદાર પટેલને નિહાળો સૌરાષ્ટ્ર સંઘની રચના સમયે. વિડીયોમાં સરદાર પટેલના સમારંભ ઉપરાંત જવાહરલાલ નહેરુ દ્વારા જહાજને અર્પણ કરવાના પ્રસંગને પણ આવરી લેવાયો છે તે જાણ ખાતર.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિશે વધુ માહિતી મેળવવા અહીં જુઓ.

3 Comments

મહાત્મા ગાંધી

આજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય આવે અને દેશ બધી રીતે પગભર બને એ માટે એમણે એમની રીતે જીવનના અંત સુધી અથાક પ્રયત્નો કીધા.
વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સટાઈનના શબ્દોમાં કહીએ તો આવનારી પેઢીને વિશ્વાસ પણ નહીં બેસે કે હાડચામનો બનેલ આવો માનવ પૃથ્વી પર શ્વાસ લેતો હતો. દંતકથા જેવું અદભૂત જીવન જીવીને ગોડસેના હાથે ગોળીથી વીંધાનાર ગાંધીજીને માણીએ સંગીત અને તસવીરો વડે …

10 Comments

શાંત ઝરુખે

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે સૈફ પાલનપુરીની એક નઝમ જે સીમાચિન્હ સમી બની, સૌના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે, સાંભળો મનહર ઉધાસના સૂરીલા કંઠે. ઝરુખામાં જોયેલી એક સ્વપ્નસુંદરીના શૃંગારરસથી ભરેલ કમનીય વર્ણનથી પ્રારંભ પામતી નઝમ અંતે ખાલી ઝરુખાને જોઈ કરુણરસથી છલકાઈ જાય છે. જીવનના સોનેરી દિવસો ઝરુખા પરની સ્વપ્નસુંદરીનું રૂપક ઓઢીને તો અહીં વ્યક્ત નથી થયાં ને ?
*

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …

એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું

એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી

એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો

એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી

એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..

ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી

બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન

મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું

તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….

– સૈફ પાલનપુરી

7 Comments

શિવમહિમ્ન સ્તોત્ર

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !

આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.

માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.

નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.

Part-1

Part-2

Part-3

47 Comments

છેલ્લું પ્રવચન

આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા.

એમની યુનિવર્સીટીમાં રીટાયર્ડ થતા પ્રોફેસર એક અંતિમ પ્રવચન આપે એવી પ્રણાલિ છે. એમણે આપેલું પ્રવચન માત્ર પ્રણાલિ પુરતું કારકીર્દીનું અંતિમ પ્રવચન ન હતું, પણ જીવનનું અંતિમ પ્રવચન બનવાનું હતું. એમનું એ પ્રવચન એટલું તો પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી હતું કે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ મારફત ફેલાઈ ગયું. અધધધ થઈ જવાય એટલી સંખ્યામાં એને લોકોએ જોયું. કેટલાયની આંખો ભીંજાઈ, કેટલાયના હૈયા હલી ગયા, કૈંકના કાળજા કોરાઈ ગયા.

અહીં સાંભળો એમનું ઓપરા વિનફ્રેના શોમાં અપાયેલ વ્યક્તવ્ય. આશા છે એમાંથી આપણને જીવનની પ્રેરણા મળશે.

સાથે સાથે વાંચો … મરણ વિશે કવિઓનું ચિંતન

4 Comments

હે શારદે


મા સરસ્વતી સંગીત અને કલાની દેવી છે. તો મા શારદાને આ વેબસાઈટમાં સૂર પૂરવાની પ્રાર્થના કરું છું. સંગીત મનોરંજનનું સાધન માત્ર ન બનતાં જ્ઞાન અને સ્વાત્માનંદનું માધ્યમ બને એવી પ્રાર્થના કરું. અહીં સાંભળો મને અતિ પ્રિય પ્રાર્થના અનુપ ઝલોટાના સ્વરમાં.
*

*
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
હમ હે અકેલે, હમ હે અધૂરે..
તેરી શરણ હમ, હમેં તાર દે મા..
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,
હાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,
મનસે હમારેં મિટાદે અંધેરા,
હમકો ઉજાલોં કા સંસાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

મુનિઓને સમજી, ગુણીઓને જાની,
વેદોં કી ભાષા, પુરાનોં કી બાની,
હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,
વિદ્યાકા હમકો અધિકાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

Leave a Comment