લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ કહી સલામ કરી ન્યૂજર્સી સ્થાયી થનાર આદિલભાઈ પોતાની પાછળ પત્ની, પુત્રો અને પૌત્રોની સ્થૂળ યાદો ઉપરાંત ગુજરાતી સાહિત્યની ક્ષિતિજ પર પોતાની ઝળહળતી રચનાઓ મૂકી ગયા છે. આજે એમની કૃતિઓ વડે એમને શબ્દોની શ્રદ્ધાંજલિ અર્પીએ. આદિલ મન્સૂરી વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.
દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયાં,
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયાં.
*
સમય સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
*
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
*
હું ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.
ખ્વાબમાંયે કદી આદિલને દર્શન દઈને
એની ગઝલોના બધા શેર મઠારી આપો.
*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
*
સામાં મળે તો કેમ છો યે પૂછતાં નથી,
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યાં કરે.
*
જ્યારે મોસમ ખૂબ ટફ થઈ જાય છે,
ત્યારે આંસુનું ટીપું બરફ થઈ જાય છે.
*
ઉંઘવાનું કબરમાં છે આદિલ,
જિંદગીભર તો જાગરણ ચાલે.