Press "Enter" to skip to content

Category: સ્તોત્ર

જય મંગલમૂર્તિ


આજકાલ દુંદાળા દેવ ગણેશ ઘરે ઘરે પધાર્યા છે. આદિ કાળથી ગણપતિની પૂજા કોઈપણ શુભ કાર્યના આરંભે થતી આવી છે. પણ આજે જે ગણેશોત્સવ ઉજવાય છે તેનો શ્રેય લોકમાન્ય તિલકને ફાળે જાય છે. જનજાગૃતિ અને લોકોની એકતાના ભાગરૂપે પૂનાથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે લગભગ ભારતભરમાં અને વિદેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. દર્શન અને સંનિધિનું સુખ આપવા ભગવાન સામે ચાલી ભક્તને ઘરે પધારતા હોય તેવું માત્ર ગણેશજી માટે જ કહી શકાય. હજી આજે પણ સુરત અને વડોદરામાં વરસો સુધી માણેલ વિવિધ સ્વરૂપો અને આસપાસના ડેકોરેશન વાળા ગણેશજી યાદ આવે છે અને મસ્તક ભક્તિભાવથી ઝૂકી જાય છે. તાપીના કિનારે ડક્કાના ઓવારે ગણેશ વિસર્જન જોવાની મઝા કૈં ઓર હતી … સાંભળો મને અતિ પ્રિય એક સ્તુતિ. શબ્દો ગીત સાંભળીને લખ્યા હોવાથી ભૂલ હોવાનો સંભવ છે. એ માટે પ્રથમથી જ ક્ષમાયાચના.
*

*
જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ
તવ દર્શન માત્રે હો ભક્તેચ્છિત પૂર્તિ

સત્ ચિત્ ધન ચિંતામણી જય જય ઓમકારા
વિષ્ણુ મહેશ્વર જન કા જય વિશ્વાધારા.
વિદ્યા વિદ્યા રમણા સત્ ચિત્ સુખ સારા
સ્વાનંદે સા ભગવંત દે ચરણી ધારા … જય દેવ જય દેવ

આદ્ય બ્રહ્માદિશા યોગી હૃદ રામા
કરુણા પારાવારા યે મંગલ ધામા
મત્સલ મુખ દનુજહારિ પરિપૂરિત કામા,
સ્વામીન વિઘ્નાદિશા દે નિજ સુખ આમ્હા … જય દેવ જય દેવ

શ્રીમન મુદગલ શુકમુખ દત્તાધિક યોગી
નારાયણ ગિરિજાદવ રવિ મુખસ્વર ભોગી
પૈસે સંતત રત તવ પદ કમલી ભોગી
ભવ વિદ્યા ચરણાંકુશ ધારી ભવ રોગી …. જય દેવ જય દેવ

4 Comments

ભક્તામર સ્તોત્ર


પ્રતિ વર્ષ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી જૈન સમુદાય પર્યુષણ પર્વ મનાવે છે. પર્યુષણ પર્વ એટલે પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ, વેરના વિરામનું પર્વ, સમત્વની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પર્વ અને તપ-દાન તથા અધ્યાત્મ સાધના વડે અંતરની અશુદ્ધિઓને દૂર કરવાનું પર્વ. પર્વની સમાપ્તિ પર જૈન ભાઈઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ અર્થાત્ મારા વડે કાયા, મન અને વાણીથી જો કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તો તે માટે મને ક્ષમા કરો – એવી ભાવના કરી ક્ષમાયાચના કરે છે.
*
સ્વર: અનુરાધા પૌંડવાલ

*
સ્વર: મનહર ઉધાસ

*
જૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.

એથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.

જે સ્તુતિના પ્રભાવે મુનિ માનતુંગની બેડીના તાળાં તૂટ્યાં તે ભક્તામર સ્તોત્ર સાંભળો મનહર ઉધાસ અને અનુરાધા પૌંડવાલના સ્વરમાં.

6 Comments

શિવમહિમ્ન સ્તોત્ર

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !

આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.

માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.

નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.

Part-1

Part-2

Part-3

48 Comments