Press "Enter" to skip to content

Category: શૌર્યગીત

છેલ્લો કટોરો ઝેરનો


બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું. દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.
*

*
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

– ઝવેરચંદ મેઘાણી

9 Comments

પાર્થને કહો ચડાવે બાણ

કુરુક્ષેત્રની મધ્યમાં સ્વજન અને હિતેચ્છુઓને જોઈને પાર્થની દ્વિધાનો અંત લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પાંડવો યુદ્ધ વાંચ્છતા ન હતા. પરંતુ જ્યારે વિષ્ટિ-વિનવણીથી વાત ન પતી ત્યારે આખરી ઉપાય તરીકે તેમને યુદ્ધમાં ઉતરવું પડ્યું. કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું એ એટલું જ સાર્થક નથી લાગતું ? સરહદ પારના આતંકને ક્યાં સુધી મુંગે મોઢે સહન કરવો ?

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

– મહાકવિ નાનાલાલ

4 Comments

ભૂલથી પણ ભૂલ એ કરવી નથી


ભારતના ફાઈનાન્શિયલ કેપિટલ એવા મુંબઈને કોઈની કાળી નજર લાગી ગઈ છે. આતંકનો પડછાયો શાંતિપ્રિય મુંબઈગરાઓને અને સહિષ્ણુ ભારતીયોને ચેનથી સૂવા દેતો નથી. જે હિંમતથી (?) મુંબઈના ગૌરવ સમી તાજ હોટલ, ઓબેરોય હોટલ, વી.ટી. સ્ટેશન તથા અન્ય સ્થળો પર હુમલા કરાયા છે તેને માટે શબ્દો જડતાં નથી. બસ એટલું લખાય છે કે હવે … હદ થઈ ગઈ. આતંકવાદીઓની જડતાના શિકાર થયેલ શહીદ જવાનોને અંતરના સલામ. અત્યારે દરેક ભારતીયની જબાન પર એક જ નારો હશે …. હવે આતંકવાદીઓને અને એમને પોષનારને માફ કરવાની ભૂલ … ભૂલથી પણ કરવી નથી. (શૂન્યે 1965માં પાકીસ્તાન સાથેના યુદ્ધ વખતે આની રચના કરેલી.)

ના નથી દોહરાવવો ઇતિહાસને, ભૂલથી પણ ભૂલ એ કરવી નથી.

માતના ટુકડા વધુ કરવા ચહે, દેશમાં એવા કપાતર છે હજુ
સંપની મહેલાતને ફૂંકી દીયે, સ્વાર્થ-ભૂખ્યા કૈંક પામર છે હજુ

એમનાં સ્વપ્નોને સંતોષો નહીં
ધર્મના પાખંડને પોષો નહીં … એકતાની ધૂપદાનીના કસમ

સત-અસતમાં જંગના મંડાણ છે, લીલુડાં માથાંઓ માગે છે વતન
છે જરૂરત આજ એવા વીરની, જે કહે યાહોમ બાંધીને કફન

ખૂનની લાલી વદન પર જોઈએ
વસ્ત્ર કેસરિયાં બદન પર જોઈએ .. વીર બાદલની જવાનીના કસમ

દેશના સોદા કરે મીરજાફરો, એમનાં માથાં વધેરો એ પ્રથમ
ક્યાંક જો આવે અમીચંદો નજર, વીણીવીણીને કરી નાખો ખતમ

ટકશે આઝાદી પ્રતાપોના તપે
આ સમે તો માત્ર ભામાશા ખપે. … ટીપુઓની જાંફેશાનીના કસમ

જ્યારે પણ માથું ઉગામે વનચરો, એ સમે નરકેસરીનું કામ છે
ત્રાટકે જ્યારે વતન પર ઘૂવડો, વીરલા જયશીખરીનું કામ છે

એ જ અર્પે છે વતનને જિંદગી
જેનું ધડ ઝૂઝી શકે છેવટ લગી. … રજપૂતોની ખાનદાનીના કસમ

ધર્મને ખોવો નથી ચોપાટમાં, દુર્દશા છે યાદ પૃથ્વીરાજની
ખૂબ વેઠીને સજા સદીઓ લગી, સિદ્ધિઓ હાંસલ કરી છે આજની

ઘોરીઓને માફ ના કરશો હવે
યુદ્ધનીતિમાં દયા ના પાલવે … વીજ શી તેજલ ભવાનીના કસમ

– શૂન્ય પાલનપુરી

3 Comments

કાયરો માટે નથી


આજે શૂન્ય પાલનપુરીની એક ઈનામ વિજેતા કૃતિ. ભારત પર પાકિસ્તાને જ્યારે આક્રમણ કરેલું ત્યારે તેમણે રચેલી આ રચના ગુજરાતી ભાષાના જૂજ શૌર્યગીતોમાં ચમકે છે. ભલે આજકાલ યુદ્ધ બહારથી દેખાતું નથી પણ અંદરથી તો એવું જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને સ્વાર્થનું રાજકારણ દેશને ખલાસ કરી રહ્યું છે ત્યારે કોઈ આ વાંચીને પોતાના દર્પણમાં ઝાંખશે ?
[આજથી પંદરેક વરસ પહેલાં પાલનપુરથી ‘શૂન્યનો વૈભવ’ પુસ્તક ખરીદેલું. એમાં શૂન્યના જીવનભરના કવનનું સંકલન છે. એક વાર કોઈને વાંચવા આપતા ખોવાયું તો બીજી વાર ખરીદ્યું અને અમેરિકા પહેલીવાર આવ્યો ત્યારે વજનની મારામારીમાં કોમ્પ્યુટરના પુસ્તકો કાઢીને બેગમાં ભરેલું. ગઝલો સાથે મારો પહેલો ઘરોબો કરાવનાર શૂન્યના વૈભવમાંથી આજની કૃતિ પ્રસ્તુત કરી છે.]

 માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.

શિર ઉપર આફત ખડી છે, એની મુજને જાણ છે,
મોતની હાકલ પડી છે, એની મુજને જાણ છે,
જાન દેવાની ઘડી છે, એની મુજને જાણ છે.

પૃથ્વીરાજો આ સમે ચોપાટમાં ગુલતાન છે,
ચંદ બારોટોને કેવળ દુર્દશાનું ભાન છે.

દ્રૌપદીનાં વસ્ત્ર પર છે એક દુઃશાસનનો હાથ,
મૂછ ઉપર તાવ દઈને દુર્યોધન પૂરે છે સાથ,
કાંધિયા ગર્વિષ્ઠ થઈને આગથી ભીડે છે બાથ.

હોઠ મરકે છે શકુનિના કે બેડો પાર છે,
ભીષ્મ જેવો હિમગિરિ પણ શું કરે લાચાર છે.

પાંડવો કાયર બનીને દૃશ્ય આ જોતા રહે
માનહીણા થઈને ઘરની આબરુ ખોતા રહે,
દીન વદને ભાગ્ય કેરા રોદણાં રોતા રહે.

હાથ જોડી કૃષ્ણ પર કરવી કૃપા કાજે નજર,
એ તમાચો છે ખરેખર સંસ્કૃતિના ગાલ પર.

ક્યાં ગયા એ ગાંડિવો ને એ ગદાઓ ક્યાં ગઈ ?
કાળજાં કંપાવતી રણગર્જનાઓ ક્યાં ગઈ ?
શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ ?

આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની !
ગીધ ના ભરખે ભુજાઓ આબરુ હરનારની !

શૌર્યપ્રેરક ગીત મારે આ સમે ગાવાં પડે,
ધર્મભીરુ કાયરોને જે થકી પાનો ચડે,
જીવતાં મડદાંઓ બેઠાં થઈને મેદાને લડે.

શબ્દથી જાગે તો એવી જાગૃતિ શા કામની ?
ક્રૂર હાંસી થઈ રહી છે મર્દ કેરા નામની.

હું નહીં ગાઈ શકું ઓ સાથીઓ મજબૂર છું,
વેર જ્વાળામાં બળું છું વેદનામાં ચૂર છું,
લૂછવા આંસુ કકળતી માતનાં આતુર છું.

ગીત સુણવા હોય તો સંગ્રામ જીતી આવજો,
મરશિયાં ગાવા શહીદોનાં મને બોલાવજો.

માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.

– શૂન્ય પાલનપુરી

5 Comments

કસુંબીનો રંગ


રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અવિસ્મરણીય કૃતિ. મન ભરી માણો કસુંબલ રંગને.
*

*
સ્વર- હેમુ ગઢવી

*
લાગ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ … રાજ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ … રાજ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ … રાજ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ … રાજ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ … રાજ

પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ ! … રાજ

– ઝવેરચંદ મેઘાણી

27 Comments

રક્ત ટપકતી સો સો ઝોળી


૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

=====================
For the reference of our readers, here’s
original song : “Somebody’s Darling” by
Marie Ravenal de la Coste and John Hill Hewitt
=======================
Into the ward of the clean white-washed halls
Where the dead slept and the dying lay,
Wounded by bayonets, sabers and balls
Somebody’s darling was borne one day.
Somebody’s darling so young and brave
Wearing still on is sweet yet pale face;
Soon to be hid in the dust of the grave
The lingering sight of his boyhood’s grace

chorus:
Somebody’s darling, somebody’s pride
Who’ll tell his mother where her boy died?

Matted and damp are his tresses of gold,
Kissing the snow of that fair young brow;
Pale are the lips of most delicate mold,
Somebody’s darling is dying now.
Back from his beautiful purple-veined brow,
Brush off the wandering waves of gold;
Cross his white hands on his broad bosom now,
Somebody’s darling is still and cold.

Give him a kiss, but for Somebody’s sake,
Murmur a prayer for him, soft and low;
One little curl from his golden mates take,
Somebody’s pride they were once, you know;
Somebody’s warm hand has oft rested there,
Was it a mother’s so soft and white?
Or have the lips of a sister, so fair,
Ever been bathed in their waves of light?

Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her breast;
Yet, there he lies with his blue eyes so dim,
And purple, child-like lips half apart.
Tenderly bury the fair, unknown dead,
Pausing to drop on his grave a tear;
Carve on the wooden slab over his head,
“Somebody’s darling is slumbering here.”

19 Comments