Press "Enter" to skip to content

Category: રાસ-ગરબા

હવે મંદિરના બારણા ઉઘાડો


મિત્રો આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રિનો મહિમા વધુ ગણાય છે, એ દિવસોમાં ઠેકઠેકાણે ગરબાનો મહોત્સવ થાય છે. પરંતુ દેવીની ઉપાસના કરનાર માટે ચૈત્ર નવરાત્રિનું પણ આગવું મહત્વ છે. તો આપણે આજે માતાજીના મહિમાનું ગાન કરવાની સાથે સાથે નવરાત્રિના આરંભે એમને એમના મંદિરના બારણાં ઉઘાડવાની પ્રાર્થના કરીએ.
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત.

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ …
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

5 Comments

ઝૂલણ મોરલી વાગી રે


મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ.
*

*
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. … મોરલી.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. … મોરલી.

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. … મોરલી.

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. … મોરલી.

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

5 Comments

ફાગણ ફોરમતો આયો


થોડા દિવસો પહેલાં ફાગણનું આગમન થયું. અંગ્રેજ કેલેન્ડર જોવા ટેવાયેલા આપણા માટે ફાગણ, વૈશાખ કે ચૈતર મહિનો માત્ર શબ્દો બની રહી ગયા છે. પરંતુ હોળી, ધૂળેટી જેવા સુંદર તહેવારોને આપણા જીવનમાં લાવનાર ફાગણ મહિનાનું એક અનોખું સૌંદર્ય છે. આ ગીત સાંભળતા હૈયું થનગનવા અને હોઠ ગણગણવા માંડે તો ફાગણ મહિનો આવતા પ્રકૃતિમાં કેવો થનગનાટ થતો હશે તેની કલ્પના જ કરવી રહી. વડોદરાના ગરબાની શાન સમું આ ફાગણગીત આજે સાંભળીએ.
*
સ્વર: અતુલ પુરોહિત

*
ફાગણ ફોરમતો આયો, આયો રે આયો..ફાગણ ફોરમતો આયો.
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો.

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના સર સર અંગ પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો.. ફાગણ ફોરમતો આયો.

ગોળગોળ ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..ફાગણ ફોરમતો આયો.

ગોરી ગોરા છોરા છોરી કરતા રે જોરાજોરી ફાગણને લેતા વધાયો
મળી મેળા રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો … ફાગણ ફોરમતો આયો.

ફાગણ આયો રે ફાગણિયું મંગા દે રસિયાં ફાગણ આયો રે
એના રંગે મલક રંગાયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…

તહુ દમક દમક દાદુર ડણ ડમકત, ગહકત મોર મલ્હાર ઘીરા
પિયુ પિયુ શબદ પુકારત ચાતક, પિયુ પિયુ કોકિલ કંઠ ઘીરા…. ફાગણ ફોરમતો આયો.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા ને ઘણણણ ગિરિવર શિખર દડે
તહુ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા ગડડ ગડડ ઘન ઘોર ગરજે… ફાગણ ફોરમતો આયો.

3 Comments

બોલાવે રાધા


કર્તવ્યની રાહે ચાલી નીકળી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા અને રાધાને માટે વિરહની વેદનાના દિવસો ઉગ્યા. જેમતેમ કરી દિવસો કાપતી રાધાને જ્યારે રાસ રમવાનું ટાણું આવ્યું ત્યારે એના હૈયામાં તીર લાગ્યું. અત્યાર સુધી કૃષ્ણની સુખદ સંનિધિમાં માણેલો સમય એની આંખની હવેલીમાં સપનાં બની ઉભો રહ્યો. વિરહમાં બાંવરી બનેલી રાધારાણીની મનોદશાને વ્યક્ત કરતું આ સુંદર પદ … સમર્પિત છે એ દરેક પ્રેમઘેલી રાધાઓને જેના કા’ન આ દિવસોમાં એનાથી સ્થૂળ રીતે દૂર છે.
*

*
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનું સુનું લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે.. બોલાવે રાધા

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં
રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા
પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ ના ચકોર કરે, મનપંખી શોર કરે,
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે.. બોલાવે રાધા

શ્યામરંગી આંગળીઓ, ભીની ભીની લાગણીઓ,
હવાની ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ,
પાદરિયે એક મીટ માંડે,

પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી,
માધવ તું શાને રડાવે મારા વ્હાલા રે…બોલાવે રાધા

2 Comments

વેણુ વગાડતો


ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો.
*
સ્વર: અચલ મહેતા

*
વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો … વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દીલડા ચુરાવતો … વેણુ વગાડતો

7 Comments

મુને એકલી મૂકીને


રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં.
*

*
હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ … હે મુને એકલી.

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ … હે મુને એકલી.

4 Comments