મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.
*
*
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.
જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.
કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.
આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.
– સંત ‘પુનીત’
10 Comments