છે સમયની માંગ કે ઈતિહાસને બદલાવ તું,
માતૃભૂમિની રગોમાં રક્ત નૂતન લાવ તું,
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરે સંગ્રામમાં,
જે ચટાડે ધૂળ દુશ્મનને, જવાની લાવ તું.
*
જો સમય પર પાળને બાંધી શકે તો બાંધ તું,
ને સ્મૃતિના તારને સાંધી શકે તો સાંધ તું,
એક પળ વીતે વિરહની સાત સાગરના સમી
શ્વાસના મોઘમ બળે લાંઘી શકે તો લાંઘ તું.
*
પૌરુષી કો અશ્વ પર અસવાર થઈને આવ તું,
કે પ્રતાપી વીરની તલવાર થઈને આવ તું,
ચોતરફ અહીં આંધીઓ, તોફાન ને અંધાર છે
નાવ છે મઝધારમાં, પતવાર થઈને આવ તું.
*
આ મુક્તક વિશેષતઃ સ્વર્ણિમ ગુજરાતના પચાસ વર્ષ નિમિત્તે ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને અર્પણ …
તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
ગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
5 Comments