Press "Enter" to skip to content

Category: અછાંદસ

હેપ્પી મધર્સ ડે


[Waimea Canyon, Kauai, Hawaii 2012]

સવારથી જ મમ્મી બહુ યાદ આવવા લાગી
શું કરતી હશે, એની તબિયત કેવી હશે…

ઘડીયાળમાં જોયું ..
ત્યાં અત્યારે સવારના નવ થયા હશે ..

એ તુલસીના કુંડાને પાણી પાઈ આવી હશે ..
દેવસ્થાને પૂજા કરવા બેઠી હશે ..
પાઠ વાંચતા ઝોકાં ખાતી હશે..
કદાચ વોશીંગ મશીનમાં કપડાં નાખતી હશે ..

ગુગલ મેપમાં વડોદરા ટાઈપ કર્યું ..
ઝુમ કરતાં કરતાં, રસ્તાઓ વળોટી, ઘર સુધી પહોંચી ગયો ..
અમેરિકામાં બેઠાં, ઓફિસના કોમ્પ્યુટરની સ્ક્રીન પર
વડોદરાનું ઘર જોતાં એક અજબ આનંદ થયો
ક્યાંય સુધી સ્ક્રીનને તાકી રહ્યો …

કદાચ ..
મમ્મી કપડાં સૂકવવા બહાર આવે ને દેખાય જાય ..

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

વણજારે ગાળેલી વાવ


ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ

આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમ રોમ જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ …

મેં જ મને કોઇ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઇ છે કે એક વણજારે ગાળેલી વાવ

– ધ્રુવ ભટ્ટ

1 Comment

પડખે સરતા રહેજો

એકલું તમને લાગે ત્યારે યાદનો કાગળ લઇને એનું વહાણ બનાવી, વહાણમાં તરતા રહેજો
હલેસું પણ જાણે નહિ એ રીતના હળવા હાથથી પાણી કાપતા મારી પડખે સરતા રહેજો !

હમણા હમણા ઝાડવા ઉપર ખૂલતા પીળા રંગની સૂકી લાગણી ઝીલતી આંખ તમારી બળશે
ભર બપોરે વાયરા સાથે વાતો મારા નામનો હિસ્સો હાથથી વેગળી આંગળીઓને અડશે…
ફળિયે ઉભી ડાળથી ખરતાં પાંદડા જોઇ પાતળા કોમળ દેહની રગેરગ નીતરતા રહેજો

પરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફૂટે
લાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે
પ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો

– પ્રકાશ નાગર

1 Comment

ઉદય જોઈને ચંદ્રનો


આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

-કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

2 Comments

એક નિશાની

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર સૈફ શું મળતે બીજી કોઇ નિશાની !

– સૈફ પાલનપુરી

4 Comments

આપણી રીતે રહેવું


[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

4 Comments