Press "Enter" to skip to content

Category: ફિલ્મી ગીતો

વીજળીને ચમકારે


વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
*
ફિલ્મ: ગંગા સતી (1979)

*
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

– ગંગા સતી

11 Comments

મારું મન મોહી ગયું


આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને.
આલ્બમ : અમર સદા અવિનાશ

*
સ્વર- મુકેશ

*
સ્વર – મનહર ઉધાસ

*
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,

કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું.

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું.

તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.

– અવિનાશ વ્યાસ

13 Comments

સજન મારી પ્રિતડી


ઘણાં ઘણાં વરસો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મ જોયેલી જેમાં જીગર અને અમી (ફિલ્મના નાયક અને નાયિકા) ની જોડી બતાવવામાં આવી હતી. એ ફિલ્મનું નામ તો યાદ નથી પણ આ સુંદર ગીત યાદ રહી ગયેલું. મારી જેમ વાચકોને પણ એ ગમશે એવું માની આજે તેને પ્રસ્તુત કરું છું.
*
સ્વર : સુમન કલ્યાણપુર, મુકેશ

*
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે પ્રણય કહાણી.

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં,
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં,
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી… સજન મારી પ્રિતડી

જીગર ને અમીની આ તો રજની સુહાગી,
મળી રે જાણે સારસની જોડલી સોભાગી,
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી … સજન મારી પ્રિતડી

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હૃદયની તેં તો વેદના ન જાણી …. સજન મારી પ્રિતડી

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી … સજન મારી પ્રિતડી

16 Comments

કોણ હલાવે લીમડી

આજે રક્ષાબંધનનો તહેવાર છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ની જેમ જ ‘ભગિનીની જોડ સખી નહીં મળે રે લોલ’- એમ ગાવાનું મન થાય એવી વ્હાલના દરિયા જેવી બ્હેનો પોતાના બંધુઓને સ્નેહના પ્રતીક સમી રાખડી બાંધશે. આ એક દિવસ એવો છે જ્યારે બેનથી દુર હોવાનું ભાઈને સૌથી વધારે પીડે. એ પીડાને હળવી કરવા માણો ભાઈબેનના પ્રેમને પ્રકટ કરતું આ સુંદર ગીત.
*
[ફિલ્મ: સોનબાઈની ચુંદડી ]

*
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી.

હે લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય,
હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જાય
લીલુડી લીમડી હેઠે, બેનીબા હિંચકે હીંચે … કોણ હલાવે

એ પંખીડા.. પંખીડા.. ઓરાં આવો
બેની મારી હિંચકે હીંચે ડાળીઓ તું ઝુલાવ
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો … કોણ હલાવે

આજ હિંચોળું બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ડોલે … કોણ હલાવે

કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ..
બેનડી ઝુલે .. ભાઈલો ઝુલાવે ડાળખી… કોણ હલાવે

10 Comments