Press "Enter" to skip to content

Category: ભજન

મીરાં તમે પાછા ઘેર આવો


“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.
*

*
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાં તમે પાછા ઘેર આવો.

હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાં તમે પાછા

મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાં તમે પાછાં

મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાં તમે પાછાં

રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાં તમે પાછાં

– સંત રોહિદાસ (સંત રૈદાસ)

7 Comments

નંદલાલાને માતા જશોદાજી સાંભરે


ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
*

*
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને

હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

[ફરમાઈશ કરનાર – જયશ્રીબેન જોશી]

6 Comments

રામ રાખે તેમ રહીએ


ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલના હીરના પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું. પ્રભુભક્તિની ખુમારીથી છલોછલ આ સુંદર પદ સાંભળીએ દિપાલી સોમૈયાના સ્વરમાં.
*

*
રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

– મીરાંબાઈ

4 Comments

ભુતળ ભક્તિ પદારથ


ભક્તિનો મહિમા અનેક ગ્રંથોમાં ગવાયો છે. અહીં ગુજરાતી ભાષાના આદિકવિ એવા નરસિંહ મહેતા ભક્તિનો મહિમા પોતાની આગવી રીતે ગાઈ બતાવે છે. પૃથ્વીલોકમાં જ પ્રભુની ભક્તિ કરી શકાય છે. પુણ્યવાન આત્માઓ બ્રહ્મલોકમાં જાય છે પણ ત્યાં પુણ્ય પુરા થતા પાછાં તેમને પૃથ્વી પર આવવું પડે છે. સાચા ભક્તો એથી મુક્તિની કામના કરતા નથી પરંતુ પ્રભુની ભક્તિ, કીર્તન અને સેવાની કામના રાખે છે. સાંભળો આ સુંદર ભક્તિપદ બે અલગ સ્વરોમાં.
*
સ્વર – ઉદય મજમુદાર

*

*
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … ભુતલ

હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … ભુતલ

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … ભુતલ

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે … ભુતલ

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … ભુતલ

– નરસિંહ મહેતા

3 Comments

ભોમિયો ખોવાયો


જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં.
*
આલ્બમ: અમર સદા અવિનાશ

*

*
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

– અવિનાશ વ્યાસ

2 Comments

ઝેર તો પીધા જાણી જાણી


જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*

*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

– મીરાંબાઈ

9 Comments