[Painting by Donald Zolan]
મિત્રો, લઘુકાવ્યનો આ મારો પ્રથમ પ્રયાસ છે, એથી આપના પ્રતિભાવો જાણવા ગમશે.
આંસુ કોઈ ગ્રોસરી સ્ટોરમાં વેચાતી ચિજની જેમ
હાજર સ્ટોકમાં પડ્યા રહેતા હશે
કે પીત્ઝાની જેમ ઓર્ડર આપ્યેથી
ગરમાગરમ બનતા હશે ?
*
આંસુ ખારા હોય છે, એ વાતમાં કેટલું તથ્ય છે,
એ જાણવા પ્રયત્ન કર્યો છે ?
કરી જોજો.
પણ હા, એનો સ્વાદ જીભથી નહીં પરખાય,
એને માટે હૃદય જોઈશે.
*
કોઈના આંસુ સામે આપણે શું ફરિયાદ હોઈ શકે ?
હા, એટલું જરૂર કહીશું કે
વરસાદ પણ ઋતુમાં જ સારો લાગે.
એથી વરસવું જ હોય તો એટલો ખ્યાલ કરજો કે
આંખની પણ એક મોસમ હોય છે.
*
પાણી આંસુ કેવી રીતે બને,
એ જાણવા ઘણી કોશીશ કરી
પણ નિષ્ફળતા મળી.
સાલ્લું … સંવેદના માપી શકે
તેવું કોઈ સાધન જડ્યું જ નહીં.
*
હૈયામાં ધરબાયેલ દર્દ
આંસુ થઈને બહાર આવ્યું
ત્યારે ખબર પડી કે
દર્દનું સરનામું ભલે હૃદય હોય,
પણ રસ્તો તો આંખમાંથી જ પસાર થાય છે.
*
હર્ષ અને શોક – બંને કિસ્સામાં જે આંસુ નીકળે,
એમાં કોઈ ફરક હશે ખરો ?
કદાચ હરખનાં આંસુનું તાપમાન ઓછું હશે.
કારણ એનો જન્મ હૈયાવરાળથી નથી થતો…
*
આંસુને આંખમાંથી બહાર આવતાં જોયું છે,
પણ અંદર જતાં જોયું નથી.
આ સંવેદનાનો ધોરીમાર્ગ વન-વે હશે,
બિચ્ચારું આંસુ..
ચાહે તોય પોતાને ઘર પાછું જઈ ના શકે…
*
આંસુ મોતી કેવી રીતે બનતું હશે ?
કદાચ જોનારની પાંપણ છીપની ગરજ સારતી હશે.
આપણી આંખો કોઈની સંવેદનાને
મોતી કરે તેવી પાણીદાર થશે ખરી ?
*
આંસુ પાણી છે, એવું કોઈએ કહ્યું ત્યારે મને લાગી આવ્યું.
કોઈના હૈયાની આગ, વરાળ બની,
આંખોના આકાશમાં ગાજવીજ સાથે તૂટી પડે
તો એને આગ કહેવું કે પાણી ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
22 Comments