આજે સૌને ગમતું ગીત મૂકું છું. આ ગીત સાંભળ્યું ના હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. ગીતમાં પ્રેમની અભિવ્યક્તિ માટે પરણેતર પોતાના પિયુને પાટણથી પટોળાં લાવવાનું કહે છે. કદાચ તે સમયે તે ખૂબ મોંઘા હશે અને પહેરવેશ તથા શૃંગારની દુનિયાનું નજરાણું હશે. તો ચાલો માણીએ અવિનાશભાઈની અસંખ્ય અમર કૃતિઓમાંની આ એકને.
*
સ્વર: સોનાલી બાજપાઇ; આલ્બમ: તારી આંખનો અફીણી
*
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….
– અવિનાશ વ્યાસ
નોંધ – પાટણના પટોળાં એ ગુજરાતની આગવી અને સદીઓ જૂની હસ્તકલા છે. આજથી લગભગ આઠસો-નવસો વરસ પહેલાં રાજા કુમારપાળ સોલંકીના સમયમાં એ એની બુલંદીઓ પર હતી. સમય જતાં એ કલા લગભગ નષ્ટ થઈ ગઈ. આજે જૂજ કારીગરો અને કેટલીક સંસ્થાઓ દ્વારા એને જીવતી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાટણનાં પટોળાં વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.
5 Comments