Press "Enter" to skip to content

Category: સોલી કાપડીયા

દિવસો જુદાઈના જાય છે


આ ગીત બે પ્રેમીઓના વિરહનો ચિતાર આપે છે, પણ એ માનવમાત્ર માટે પણ સત્ય છે. જે દિવસે આપણે આ પૃથ્વી પર આંખ ઉઘાડીએ છીએ એ દિવસથી ઈશ્વરની સાથે આપણો સંબંધવિચ્છેદ થાય છે, જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની જુદાઈમાં જાય છે. મૃત્યું જીવન પર પડદો પાડે ત્યારે ઈશ્વર સાથે આપણું ચિર મિલન થાય છે. આ ગીતની છેલ્લી પંક્તિઓ આ ભાવની પૂર્તિ કરે છે. આ ગઝલની એ સૌથી સુંદર કડીઓ છે. શ્વાસનું બંધ થવું અને ચિતા પર આગનું મૂકાવું … તાદૃશ્ય કરી દે છે.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – ઐશ્વર્યા મજમૂદાર

*
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પર રહો ઘડી-બેઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

15 Comments