Press "Enter" to skip to content

Category: સોલી કાપડીયા

કહેવાય નહીં


આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં.
*

*
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણ પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

3 Comments

મળતા રહો તો ઘણું સારું


આજે એક સદાબહાર ગીત. સોલી કાપડીયાના સ્વરમાં.
*

*
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર

સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

– મહેશ શાહ

1 Comment

કહું છું જવાનીને


ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. પ્રેમ માણસને કદી ઉંમરનો અહેસાસ થવા દેતો નથી. માણો આ સુંદર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર- સોલી કાપડિયા

*
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશૂક કહી છે

ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો

ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

– અવિનાશ વ્યાસ

3 Comments

તારી આંખનો અફીણી


સ્વર- દિલીપ ધોળકિયા

*
સ્વર- સોલી કાપડિયા

*
સ્વર- ભૌમિક શાહ

*
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

હે આજ પીવું દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો … તારી આંખનો

આંખોની પડખે પરબડી, આંખો પુછે પી આવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો … તારી આંખનો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો … તારી આંખનો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ણ કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો … તારી આંખનો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો … તારી આંખનો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો .. તારી આંખનો

– વેણીભાઈ પુરોહિત

[ ફરમાઈશ કરનાર મિત્રો – સંધ્યા, કિરણ પરમાર]

14 Comments

નીલ ગગનના પંખેરુ


આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને સ્મૃતિના પ્રવાહમાં તાણી જાય.
*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – મુકેશ

*
ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

21 Comments

પંખીડાને આ પીંજરુ


જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું હશે. ચાલો માણીએ અવિનાશભાઈની અમર કૃતિ.
*
સ્વર – મુકેશ

*
સ્વર – સોલી કાપડીઆ

*
પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ

15 Comments