Press "Enter" to skip to content

Category: પ્રફુલ્લ દવે

પગ મને ધોવા દ્યો


રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર દલીલ કરીને નાવમાં બેસતા પહેલાં પ્રભુ રામના ચરણો ધોવાની કેવટ વિનતી કરે છે. આ ભજનની ‘અભણ કેટલું યાદ રાખે જોને ભણેલા ભૂલી જાય’ … એ સુપ્રસિદ્ધ પંક્તિથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. કવિ કાગની વારંવાર સાંભળવી ગમે એવી આ અમર રચના માણો બે સ્વરમાં.
*
સ્વર – પાર્થિવ ગોહિલ

*
સ્વર – પ્રફુલ્લ દવે

*
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …
પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય, પગ મને ધોવા દ્યો

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા,
ગુહ બોલ્યો ગમ ખાઈ… પગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની,
આજીવિકા ટળી જાય … પગ મને.

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે,
ભણેલ ભૂલી જાય ! … પગ મને.

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી,
પગ પખાળી જાય … પગ મને.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું ‘તમે,
શું લેશો ઉતરાઈ’ … પગ મને.

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,
ખારવો ઉતરાઈ … પગ મને.

-કવિ શ્રી દુલા ભાયા કાગ

10 Comments