ઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે એના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. મા તો કદી બાળકથી દૂર નથી જતી. વ્યક્ત રૂપેથી વિલીન થનાર મા નિઃસીમ થઈ અવકાશમાં વિસ્તરે છે ત્યારે નભમાંથી એની આંખો નિહાળતી હોવાની મધુર કલ્પના કૃતિમાં અનેરો પ્રાણ પૂરે છે.
*
સ્વર – નિરુપમા શેઠ, સંગીત – અજીત શેઠ
*
કોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ,
કેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં માનો શબદ સંભળાય-
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી સાંભરે નૈ
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં સાંભરી આવે બા,
પારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી સાંભરે નૈ
સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું,
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ
– ઝવેરચંદ મેઘાણી
6 Comments