Press "Enter" to skip to content

Category: મહમદ રફી

કહું છું જવાનીને


ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. પ્રેમ માણસને કદી ઉંમરનો અહેસાસ થવા દેતો નથી. માણો આ સુંદર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર- સોલી કાપડિયા

*
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશૂક કહી છે

ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો

ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

– અવિનાશ વ્યાસ

3 Comments

દિવસો જુદાઈના જાય છે


આ ગીત બે પ્રેમીઓના વિરહનો ચિતાર આપે છે, પણ એ માનવમાત્ર માટે પણ સત્ય છે. જે દિવસે આપણે આ પૃથ્વી પર આંખ ઉઘાડીએ છીએ એ દિવસથી ઈશ્વરની સાથે આપણો સંબંધવિચ્છેદ થાય છે, જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની જુદાઈમાં જાય છે. મૃત્યું જીવન પર પડદો પાડે ત્યારે ઈશ્વર સાથે આપણું ચિર મિલન થાય છે. આ ગીતની છેલ્લી પંક્તિઓ આ ભાવની પૂર્તિ કરે છે. આ ગઝલની એ સૌથી સુંદર કડીઓ છે. શ્વાસનું બંધ થવું અને ચિતા પર આગનું મૂકાવું … તાદૃશ્ય કરી દે છે.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – ઐશ્વર્યા મજમૂદાર

*
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પર રહો ઘડી-બેઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

15 Comments