જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા મંગેશકરના કંઠે અવિનાશભાઈનું એક વધુ અમર સર્જન.
*
ફિલ્મ – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), સ્વર- લતા મંગેશકર
*
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા,
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા … હું રસ્તે રઝળતી
હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિખરાયેલી
હું સતી અહલ્યા …
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના જીવતાં આંસુ સારતાં …. હું રસ્તે રઝળતી
જગ સંબોધે ‘જગદંબા’ કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને માંગું ભીખ ભિખારી
હું સવાલ છું, હું જવાબ છું, જેને કોઈ નથી વિચારતા … હું રસ્તે રઝળતી
– અવિનાશ વ્યાસ
7 Comments