Press "Enter" to skip to content

Category: કિશોર કુમાર

હું અમદાવાદનો રીક્ષાવાળો


તાજેતરમાં જ ટીવીએસ કંપનીની સુંદર દેખાતી નવી રીક્ષા બજારમાં મૂકવામાં આવી. પણ અહીં કાળી અને પીળી એવી રીક્ષાઓના જમાનાની અને રીક્ષાવાળાઓની વાત કરવી છે. એક જમાનો હતો જ્યારે રીક્ષાઓ નવીસવી માર્ગો પર ફરતી થઈ હતી. રીક્ષાવાળાઓ પોતાને રસ્તાના રાજ્જા સમજતા હતા અને જાણે ફાઈટર પ્લેન ચલાવતા ન હોય એટલી કુશળતા અને બહાદુરી(!) થી રીક્ષા ચલાવતા. એમાંય સુરત અને અમદાવાદના રીક્ષાવાળાઓની તો વાત જ ન કરવી. વળવાનું આવે કે રીક્ષામાંથી એક પગ બહાર નીકળે. સાઈડ લાઈટ કે હોર્ન વગાડવાનો સમય કોને છે ! અમદાવાદના રીક્ષાવાળાઓને સમર્પિત આ બહુચર્ચિત થયેલ ફિલ્મગીત આજે સાંભળીએ કિશોરકુમારના સ્વરમાં.
*
ફિલ્મ- અમદાવાદનો રીક્ષાવાળો (1974), સંગીત- ગૌરાંગ વ્યાસ

*
હું અમદાવાદનો રીક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો,
એવી રીક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય,
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

ભદ્ર મહીં બિરાજે રૂડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો… હું અમદાવાદનો રીક્ષાવાળો

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા, શેઠ મજુર સૌ ઝૂડે,
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

લૉ ગાર્ડન કે લવ ગાર્ડન ઈ હજુય ના સમજાય,
પણ સાંજ પડે ત્યાં છોરાછોરી ફરવા બહાને જાય,
લૉ ને લવની અંદર થોડા થઈ ગયો ગોટાળો,
અમદાવાદ બતાવું ચાલો … હું અમદાવાદનો રીક્ષાવાળો

એક વાણીયે સાબરના પાણીની કિંમત જાણી,
દાંડીકૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો …. હું અમદાવાદનો રીક્ષાવાળો

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે કેવો કર્યો મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

[ફરમાઈશ કરનાર મિત્ર – તત્સત મહેતા]

2 Comments