Press "Enter" to skip to content

Category: કવિતા કૃષ્ણમૂર્તિ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું


કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
*
સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ- હસ્તાક્ષર

*
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

5 Comments

તને મારા સોગંદ


હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
*

*
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

7 Comments