Press "Enter" to skip to content

Category: બંસરી યોગેન્દ્ર

આવ્યાં હવાની જેમ


શબ્દો જેમની પાસે અનાયાસ સરતાં રહે છે એવા મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુકલની રચના જેને બંસરીબેનનો કંઠ મળ્યો છે, અહીં રજૂ કરું છું. દૃશ્ય જગત જ સર્વકાંઈ નથી. રેશમી હવાની જેમ કોઈની મધુર યાદો અદૃશ્ય રીતે આપણને એક અલગ ભાવસૃષ્ટિમાં તાણી જાય છે.  હું શું કરું કે કંઠ ખૂલતો નથી, ગીતો તો કેટલુંય કરગરી ગયા … તથા એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો, શબ્દો અજાણતાં તમે કોતરી ગયા .. એ અહેસાસને વાચા આપે છે.
*
સ્વર: બંસરી યોગેન્દ્ર, સંગીત: હરેશ બક્ષી

*
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુકલ

(ગીતની ફરમાઈશ કરનાર મિત્રો – રુષુ અને નિશાંત)

6 Comments

રજની તો સાવ છકેલી


કવિ કાલિદાસના મેઘદૂતમાં કુબેરના શાપને કારણે પોતાની પ્રાણપ્યારી પ્રિયાથી વિખૂટો પડેલ યક્ષ મેઘ મારફત પોતાની પ્રિયાને સંદેશ મોકલે છે. યક્ષપત્ની પણ વિરહમાં ઝૂરી રહી છે. રાત્રિના આગમન સાથે મિલનની ઝંખનામાં બાવરી બનેલી યક્ષપત્નીના મનોભાવોને સુંદર રીતે અભિવ્યક્ત કરતું આ ગીત ગુજરાત લૉ સોસાયટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેઘદૂત નૃત્યનાટિકાના ભાગરૂપે રજૂ થયેલ. માણો આ  સુંદર રચના બંસરી યોગેન્દ્રના મોહક સ્વરમાં. આ રચનાની ઓડિયો આ વેબસાઈટ માટે ખાસ ઉપલબ્ધ કરી આપવા બદલ શ્રી યોગેન્દ્રભાઈ અને બંસરીબેનનો ખૂબ ખૂબ આભાર.
*
સ્વર- બંસરી યોગેન્દ્ર

*
મારી રજની તો સાવ છકેલી,
તારે અધરને આસવ ઘેલી. … રજની તો સાવ છકેલી

અંગઅંગને શોક દીયો નાથ હવે પરિતોષ
મારી દેહલતા તો આજ પિયુ,
તવ અંગઅંગ ઝુકેલી … રજની તો સાવ છકેલી

આ માઝમ રાતે આજ તવ આલિંગનને સાજ
આ ઉરની રતિ રતિ નાચે પિયુ,
તુજ ઘેલી જો હરખ રસેલી … રજની તો સાવ છકેલી

હૈયામાં રમતું એ નામ આ દુનિયા લાગે અજાણ,
આ ધરતી ચોગમ સ્નેહે ભીની,
દીસે છે આજ છકેલી … રજની તો સાવ છકેલી

– રવીન્દ્ર ઠાકોર

5 Comments

સપનાં


રાજેન્દ્ર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. પ્રકૃતિના તત્વોના રૂપકો સંયોજીને સંવેદના છલકાવા માટે જાણીતા એવા આ કવિની કૃતિને બંસરી યોગેન્દ્રનો સ્વર સાંપડ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઢાળવાળી આ રચના કર્ણપ્રિય છે.
*
સ્વર – બંસરી યોગેન્દ્ર

*
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં !

– રાજેન્દ્ર શુકલ

7 Comments