પુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ ઉણા જ ઉતરે. અવિનાશભાઈનું બહુ પ્રસિદ્ધ થયેલ આ ગીત સાંભળો આશા ભોંસલેજીના સ્વરમાં.
*
સંગીત: અવિનાશ વ્યાસ, સ્વર- આશા ભોંસલે, ફિલ્મ: મહેંદીનો રંગ
*
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે
કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.
– અવિનાશ વ્યાસ
13 Comments