Press "Enter" to skip to content

Category: વિનોદ જોષી

તને ગમે તે મને ગમે


મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં.
*

*
તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું  કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી,
તને કહું કંઇ તે પહેલા તો તું કહી દેતી, છો ને … તને ગમે.

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઇ બેઠું,
હું ઝળઝળિયા પહેરાવી એક શમણું ફોગટ વેઠું,
તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને … તને ગમે.

-વિનોદ જોશી

4 Comments

સખી મારો સાહ્યબો સૂતો


પિયુ પથારીમાં સૂતો હોય અને એની પડખે ધીરેથી આવીને સુઈ જવાની કલ્પના માત્ર કેટલી રોચક છે. સ્ત્રીના હૈયામાં ઉમટતી લાગણીઓના ભાવજગતનું રોચક શબ્દાંકન આ ગીતમાં થયું છે. આજે માણીએ કવિ શ્રી વિનોદ જોશી રચિત આ સુંદર ગીત શ્રી અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
સખી મારો સાહ્યબો સૂતો
ફળિયે ઢાળી ઢોલિયો હું તો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી
પડખે પોઢી જાઉં … સખી મારો

એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પડખે સરી જાય
એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંખાય
ઝીણો સાથિયો કરી જાય … સખી મારો

સખી મારો સાહ્યબો સૂનો
એટલો કાના જેટલો હું તો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર
પહેરવા દોડી જાઉં … સખી મારો

એમ તો સરોવરમાં બોળી
ચાંચને પછી પરબાર્યો કોઈ મોરલો ઉડી જાય
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય

સખી મારો સાહ્યબો લાવ્યો
અમથો કેવો કમખો હું તો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં … સખી

– વિનોદ જોષી

[ ફરમાઈશ કરનાર – નેહાબેન શાહ ]

14 Comments

કૂંચી આપો, બાઈજી

કવિ શ્રી વિનોદ જોશીનું સુપ્રસિદ્ધ અને હૃદયસ્પર્શી ગીત
સ્વર – પાર્થિવ ગોહિલ
સંગીત – અમર ભટ્ટ
પ્રસ્તુતિ – અર્ચના કથક કેન્દ્ર ભાવનગર.
નૃત્ય નિર્દેશન- જાનકી સોની
*

*
કૂચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી … કૂંચી આપો

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી … કૂંચી આપો

– વિનોદ જોશી

1 Comment