આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. પૂર્વથી ચાલી આવતી માન્યતા મુજબ દિવંગત થયેલ સ્વજનોને યાદ કરીને કાગવાસ નાખી, દાન કરી, લોકોને જમાડી અંજલિ આપવામાં આવશે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિ હયાત હોય એ સમયે તેને આદર, સન્માન, પ્રેમ અને લાગણી ન આપી હોય ને મર્યા પછી રૂઢિ મુજબ ઈચ્છિત વસ્તુઓ આપવામાં આવે. શ્રાદ્ધ પક્ષ એક રીતે સંબંધોને યાદ કરવાનો અવસર છે. અહીં માણો વ્યક્તિઓથી માંડી સ્થાનવિશેષની મમતાથી સર્જાતા સંબંધોના ભાવજગતને.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આભાર
*
વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,
સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;
એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,
સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.
*
હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.
પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.
એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.
લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.
કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.
ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.
– વિનય ઘાસવાલા
11 Comments