Press "Enter" to skip to content

Category: સુરેશ દલાલ

સાંવરિયા રમવાને ચાલ !


આજકાલ વસંત ઋતુ ચાલી રહી છે. ઋતુઓના પરિવર્તનની અસર મહાનગરોમાં દેખાતી કે અનુભવાતી નથી. નવી પેઢીના લોકો માટે કદાચ કેસૂડાંના ફૂલ જોવાનું પણ નસીબમાં નથી. આવા સમયે આ રચના આપણને એક નવિન દુનિયામાં લઈ જાય છે. એમ કહેવાય કે વસંત એટલે કામદેવતાની પ્રિય ઋતુ. સૃષ્ટિ આખી આ સમે નવપલ્લવિત થાય, એના પ્રભાવથી કુદરત ન બચે તો માનવીની વાત જ શી કરવી. એટલે જ અહીં પ્રેમિકા એના સાંવરિયાને રંગ અને સુગંધના સરવરમાં ઝુમવા બોલાવી રહી છે. ફરીફરી સાંભળવાનું મન થાય એવું સુંદર ગીત માણો આરતી મુન્શી અને અનાર કઠિયારાના સ્વરમાં.
*
આલ્બમઃ હસ્તાક્ષર; સંગીતઃ ક્ષેમુ દિવેટીયા

*
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતાં આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયાં અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપનાં !!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

– સુરેશ દલાલ

2 Comments

કમાલ કરે છે


પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી યાદ કરી-કરાવીને દવાની ગોળીઓ આપવામાં ઉભરતો હશે. પ્રૌઢાવસ્થાના પ્રેમની આ સુંદર ભાવોભિવ્યક્તિને માણો બે અલગ સ્વરોમાં
*
સ્વર – નીરજ પાઠક, આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ

*
સ્વર- બાલી બ્રહ્મભટ્ટ

*
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે? … કમાલ કરે છે

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે. … કમાલ કરે છે

પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે
ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો
બંને જણ ફોન પર બરાડ કરે છે… કમાલ કરે છે

કાનમાં આપે છે એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલ-ધમાલ કરે છે… કમાલ કરે છે

ડોસી તો સાંજે મંદિરમાં જાય અને
ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ
અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ
તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે … કમાલ કરે છે

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે

-સુરેશ દલાલ

10 Comments

તમે વાતો કરો તો


મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે.  હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા ઉકળાટ અને ગુંગણામણનો અહેસાસ કરે છે. એવા જ ભાવોને વાચા આપતી સુરેશ દલાલની એક હૃદયસ્પર્શી કૃતિ.
*
સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે … તમે વાતો કરો

– સુરેશ દલાલ

2 Comments

આપણી રીતે રહેવું


[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

4 Comments

લગાવ

[ ઉંમર વધે એટલે પ્રેમ ઘટવો નહિ પણ મજબૂત બનવો જોઈએ, જેમ વૃક્ષના મૂળ સમય જતાં ઉંડા જાય તે રીતે. એકમેકના સાચા સાથીદાર હોવું એ પ્રસન્ન અને મધુર દામ્પત્ય જીવનની નિશાની છે. વાળ ધોળા થયા પછી પ્રૌઢાવસ્થાએ પાંગરતા પ્રેમની અનેરી મીઠાશ વર્ણવતી સુરેશ દલાલની આ કૃતિ માણવા જેવી છે. ]

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ !

– સુરેશ દલાલ

3 Comments