સૃષ્ટિના કણકણમાં ઈશ્વરનો વાસ છે એમ કહેવાયું છે. અહીં કવિ પ્રશ્નોની પરંપરા દ્વારા પ્રકૃતિમાં પથરાયેલ પરમાત્માના સ્વરૂપનું દર્શન કરાવે છે. શાળામાં ભણવામાં આવતી સુંદરમની આ સુંદર કવિતાને આજે માણીએ અને પરમાત્માના વિશ્વવ્યાપી રૂપનું ચિંતન કરીએ.
પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતી?
અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ?
તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
ઓ સારસની જોડ વિશે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
– સુંદરમ
2 Comments