ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર કવિ રાવજી પટેલ વિશે વાંચશો તો એના દર્દનો થોડો પણ અહેસાસ થશે. બે પાત્રો વચ્ચેના વૈષમ્યને ધાર કાઢતી આ તળપદી ભાષામાં રચાયેલ અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલ રચના વારંવાર સાંભળવી ગમે તેવી છે.
*
આલ્બમ – આંખે કંકુના સૂરજ આથમ્યા
આજે રાવજી પટેલની એક સુંદર રચના જેમાં એક પંખીની વાત કરી છે. પરંતુ આ બે પાંખ અને બે આંખવાળું સામાન્ય પંખી નથી પરંતુ મારા ને તમારા વિચારોના વૃક્ષમાં અટવાતા, પ્રિયજનના ચહેરા પર મલકાતાં તથા રાત વેરણ બની જતાં મનના આંબાની ડાળે ટહુકાતા મનપંખીની વાત છે. અંતિમ પંક્તિમાં શ્વાસોની આવનજાવનને પંખીની સજીવતા સાથે સરખાવી કવિએ જીવંતતાનો કેટલો મધુરો અહેસાસ કરાવ્યો છે!
કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું;તું મનમાં.
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુકયા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.
[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]
ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો …
હું તો માત્ર કવિ
હું તો માત્ર ઓરડામાં સબડતું આદિ મમી
હું તો માત્ર ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ…
હું તો માત્ર ખાલીખમ નિઃસહાય …
પછી તો કુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરેમાં રાવજી શબ્દથી દેખાવા લાગ્યો, વેદનાથી ઓળખાવા લાગ્યો. અને એવામાં જ પોતાનાથી છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યા એ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ વિના કહી દીધું, છ માસ જીવશો. રાવજીથી એ માની શકાય એમ ન હતું. હજુ તો કેટલાંય સ્વપ્ન જીવતાં કરવાનાં હતાં. એ પહેલાં કેવી રીતે મરાય ? એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. બહાર આવી ‘અશ્રુધર’ લખી. સારો આવકાર મળ્યો. પછી લખી ‘ઝંઝા’. વિવેચકોએ રાવજીમાં પન્નાલાલને જોયો. ક્ષયથી માંડીને શબ્દોની અભિવ્યક્તિમાં રાવજી અને પન્નાલાલ એક ચાસમાં ચાલ્યા છે. બંનેએ પોતાની રચનાઓમાં ગામડાંઓને જીવતાં રાખ્યાં છે.
રાવજીની રચનાઓમાં ક્યારેક તેનું ક્ષયથી આવેલું રુગ્ણ, કૃષિપણું અને મૃત્યુ અંગેનું સતત સભાનપણું એકસાથે વર્તાઈ જતું જોવા મળે છે. તેમ છતાં વાચકને સ્પર્શ કર્યા વિના રાવજી ક્યારેય સરકી ગયો નથી. ‘મને સ્થિતિ ખોદે છે’ ત્યારે કેવળ રાવજી જ ખોદાતો નથી, રાવજીએ શબ્દ દ્વારા ઊભી કરેલી સ્થિતિ આપણનેય ખોદે છે.
દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી,
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી …
પણ રાવજી ઓળખાયો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો આરંભાઈ રહ્યો હતો. રાવજીએ તેમાં પોતાનો ચીલો પાડ્યો. પોતાના અંગતપણાના ચાસ પાડ્યા અને અંકુર ફૂટ્યાં. શબ્દને સ્પર્શમાત્રથી બેઠારી દેવાની રાવજીમાં ગજબની શક્તિ હતી. શબ્દ દ્વારા રાવજી વ્યક્ત થવા માંડે ત્યારે એક પ્રકારની જબરદસ્ત બેપરવાહી તેમાં વહેતી જોવા મળે છે. એને ઘાસ અને ધરતીની માયા હતી. એકાંત એને કઠતું હતું. ગીધ જેવા મૃત્યુના ઓછાયામાંથી બહાર ધસી આવવા એ મથતો હતો …
થોડાં પાન લખ્યાં હશે ત્યાં એક સાંજે તેના ગળફામાંથી લોહી પડ્યું. ફરી થોડું જીવી લેવા અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. ત્યાં ક્ષયની સાથે માનસિક અસ્થિરતા ઉમેરાઈ, કપડાં વિના વોર્ડમાં દોડતો, પાણી આપનાર પર કોગળા કરી થૂંકતો, આખી રાત જાગી મોત વિશે લખ્યો કરતો …. “મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો જગત સાથેના બધા સંબંધ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા..”
અડધા ગાંડા જેવા રાવજીને વલ્લવપુરા લાવ્યા. ત્યાં ડાયાબીટીસ અને પુરેમિયાનો હુમલો થયો. પાંચ દિવસ બેભાન રહ્યો અને એક સવારે ….
*
સજીવી હળવાશ એને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો …
આ ગીત મારું ‘all time favorite’ છે. એના વિશે કંઈ પણ કહેવું કે લખવું એ કવિ, કૃતિ અને કદરદાનની વચ્ચે આવવા જેવું છે. એને તો અશ્રુની વહેતી ધારે.. બસ માણવું જ રહ્યું. ભીતરના જે દર્દે આ કરુણ ગીતને જન્મ આપ્યો તેની પાર્શ્વભૂમિકા તથા કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા સ્વ. રાવજી પટેલ-શ્રદ્ધાંજલિ જોવાનું ભૂલતા નહીં.
*