Press "Enter" to skip to content

Category: પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?


પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન.
*
સંગીત: અમિત ઠક્કર, સ્વર: ગાર્ગી વ્હોરા, આલ્બમ- વિદેશિની

*
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળી પર ઝૂલતી’તી
ડાળી ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

– પન્ના નાયક (સાભાર – pannanaik.com)

6 Comments

પ્રીતમાં પાગલ થઈ ગઈ

પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ થયેલ CD ‘વિદેશિની‘ માં સાંભળી શકાય છે.
*
સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ

*
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ … હું તો.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી ને મારી આ પળપળની વાત,
મારી કોરી આંખ્યુંનું કાજળ થઇ ગઇ … હું તો.

હું તો આંખો મીંચીને તને સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ … હું તો.

– પન્ના નાયક

3 Comments

સંબંધ

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તમે છંદ રાખ્યું…

– પન્ના નાયક

2 Comments