હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*
*
*
*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે … નારાયણનું નામ.
– નરસિંહ મહેતા (સાભાર – સ્વર્ગારોહણ )
6 Comments