ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલના હીરના પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું. પ્રભુભક્તિની ખુમારીથી છલોછલ આ સુંદર પદ સાંભળીએ દિપાલી સોમૈયાના સ્વરમાં.
*
*
રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
– મીરાંબાઈ
4 Comments